
રાજકોટ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ રેલવે પોલીસની એસઓજીએ રૂ. 18,89 લાખના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે જામનગરમાં ગોલ્ડન સિટીની બાજુમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી યાસ્મીન અનવરભાઈ સેતા (ઉ.વ. 40) અને એક સગીરને ઝડપી લીધા હતાં. ઝડપાયેલી યાસ્મીન મુંબઇથી ટ્રેનમાં આ ડ્રગ્સ લઇ આવી રહી હતી.
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી કરોડોના ડ્રગ્સ સાથે મહિલા અને સગીર ઝડપાયો
અમદાવાદ SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 1 પર મુંબઇથી આવેલી દુંરતો એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલી યાસ્મીનને અટકાવી તપાસ કરતાં તેની પાસે રહેલા ધાબળામાંથી 198.9ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી યાસ્મીન અને તેની સાથે રહેલા સગીરની અટકાયત કરી હતી. બંને સામે રેલવે પોલીસમાં NDPS હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
પોલીસને શંકા ન જાય તે માટે સગીરને સાથે લઇ મુંબઇ પહોંચી
SOGની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને હાલમાં પૈસાની જરૂર હતી. જામનગરમાં રહેતા અઝરૂએ તેને મુંબઇથી ડ્રગ્સનું પાર્સલ લઇ આવવાનું કહ્યું હતું. બદલામાં રૂ. 10,000 આપવાનું નક્કી કર્યું હતું. પોલીસને શંકા ન જાય તે માટે સગીરને સાથે લઇ મુંબઇ પહોંચી હતી.
મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે અઝરૂના કહેવા મુજબ કોલ કરતાં નિઝામ નામનો શખ્સ આવ્યો હતો અને તેને ડ્રગ્સનું પાર્સલ આપી ગયો હતો. જે લઇ દુંરતો એક્સપ્રેસ રાજકોટ આવી હતી. નિયમ મુજબ SOGએ રાજકોટ રેલવે પોલીસને તપાસ સોંપી દેતાં તેના સ્ટાફે યાસ્મીનને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ આગળ ધપાવી છે.