સાબરકાંઠાના વિજયનગર તાલુકાના અંતરસુંબા ગામમાં રોડ બાંધકામ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે RCC રોડ બનાવતી વખતે રસ્તાની વચ્ચે આવેલા વીજપોલને ખસેડ્યા વિના તેની આસપાસ જ ચણતર કરી દીધું, જેના કારણે વીજપોલ રોડની વચ્ચે ચણાયેલી સ્થિતિમાં રહી ગયો.
લોકોને પડી રહી છે મુશ્કેલી
આ સમસ્યાને કારણે ગામના લોકોને રોજિંદા આવાગમનમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, મોટા વાહનો જેવા કે ટ્રેક્ટર, ટ્રક કે બસોને પસાર થવામાં અડચણો ઉભી થઈ રહી છે, જેનાથી અકસ્માતનું જોખમ પણ વધ્યું છે.
અકસ્માતનું જોખમ પણ વધ્યું
ગામના રહીશોનું કહેવું છે કે રોડ બનાવવાનું કામ ચાલતું હતું ત્યારે અધિકારીઓએ યોગ્ય દેખરેખ રાખી ન હતી, જેના કારણે આ ગંભીર ભૂલ થઈ.આ મુદ્દે ગામ લોકોએ એકઠા થઈને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને વીજપોલ ખસેડવા અને રોડની યોગ્ય રીતે મરમ્મત કરવાની માગણી કરી છે.