
પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ યોજાશે. પ્રાંતિજ પાલિકામાં ભાજપના 20 ઉમેદવારો સામે અપક્ષના 20 અને કોંગ્રેસના 19 ઉમેદવારો મેદાનમાં છે. પાલિકામાં ભાજપે સસ્પેન્ડ કરેલા છ બળવાખોર હોદ્દેદારો સહિત 20 અપક્ષો મજબૂત સ્થિતિમાં હોવાથી ભાજપ,કોંગ્રેસને બહુમતી ન મળે તેવી સ્થિતિ ઉભી થઇ છે. અપક્ષના ડરના કારણે ભાજપે પ્રથમ વાર પાલિકાની ચૂંટણીના પ્રચારમાં ધારાસભ્યો, નેતાઓની ફોજ પ્રચારમાં ઉતારી હતી.
પ્રાંતિજમાં ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ
પ્રાંતિજ પાલિકામાં ભાજપે મેન્ડેટ આપતા ઉકળતા ચરૂની સ્થિતિ સર્જાઇ હતી. ભાજપે દાવેદારોની ટિકિટ કાપતા વિરોધ થયો હતો અને કેટલાક સભ્યોએ અપક્ષ ઉમેદવારી કરી હતી અને કેટલાક સભ્યોને મનાવી લેવામાં આવ્યા હતા. ભાજપે ટિકિટ ફાળવણીમાં સ્થાનિક સંગઠન, ધારાસભ્ય, સાંસદની અવગણના કરી હતી જ્યારે ભાજપે છ બળવાખોર સભ્યોને ત્રણ દિવસ પહેલા સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે મહિલા મોરચાની બહેનોને પણ ટિકિટ આપવામાં ન આવતા વિરોધ થયો હતો.
પ્રાંતિજ નગરપાલિકામાં 60 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 20 ઉમેદવારો સામે અપક્ષના 20 ઉમેદવારો જ્યારે કોંગ્રેસના 19 મળી કૂલ 60 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપને કોંગ્રેસનો નહીં પણ આ વખતે અપક્ષનો ડર સતાવી રહ્યો છે અને ભાજપની અપક્ષ ઉમેદવારો બાજી બગાડે તેવી સંભાવના છે. પાલિકામાં ભાજપને જીતાડી શકે તેવા છ સભ્યોની ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારી કરતા સસ્પેન્ડ કરાયા હતા જેના કારણે ભાજપની સ્થિતિ કપરી બની છે અને હવે પાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપે ગાંધીનગરથી નેતાઓને પ્રચારમાં મોકલ્યા હતા. પાલિકામાં ભાજપને પેનલ તૂટવાનો પણ ભય સતાવી રહ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપને 21, કોંગ્રેસરને 1 અને અપક્ષને બે બેઠકો મળી હતી.