બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. હવે ગુજરાત સરકાર દ્વારા હાલ 18 શ્રમિકોના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. એવામાં હવે આ મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ડીસા પહોંચ્યા હતા. સમગ્ર ઘટના મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી.
પીડિત પરિવારે કર્યા મોટા ખુલાસા
અત્યાર સુધી અહીં ફટાકડાનું ગોડાઉન હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું, ત્યારે હવે પરિવારજનોએ આ ફેક્ટરી વિશે મોટો ખુલાસો કર્યો છે. જેમાં મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, મધ્યપ્રદેશથી સુતળી બોમ્બ બનાવવા માટે શ્રમિકોને ગુજરાત લાવવામાં આવ્યા હતાં. સાથે સરકાર પર આક્ષેપ પણ લગાવ્યા છે કે મૃતદેહોને પરિવારજનોને બતાવવામાં આવતા નથી.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આકરી પ્રતિક્રિયા
ડીસા ફટાકડા ગોડાઉનમાં આગ મામલે જીગ્નેશ મેવાણી આજે ડીસા પહોંચ્યા હતા. જ્યાં પહોંચીને પહેલા પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. સિવિલમાં પીડિત પરિવાર સાથેના જીગ્નેશ મેવાણીએ વાત કરી ન્યાય અપાવવાની શાંત્વના આપી હતી. જીગ્નેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું, "પીડિત પરિવારે કહ્યું શા કારણે મૃત દેહોને પીડીત પરિવારને બતાવવામાં આવતા નથી. પીડિત પરિવારને પૂરો હક છે પોતાના સ્વજનને જોવાનો તે આઇડેન્ટીફાય કરે તે બાદ જ લાશને લઈ જવાનો હક છે."