
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના એક એવા પશુપાલકની જેમણે પોતાની કોઠાસૂઝ અને મહેનતથી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવાનગર ગામના નિરપેક્ષભાઈ પટેલે ગીર ગાયોના દૂધના વ્યવસાયને માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નવી ઓળખ અપાવી છે. જેમણે ગીર ગાયના દૂધને મંડળીમાં આપવાની જગ્યાએ ગ્રાહકને સીધું આપવાનું વિચારી પોતાનો વ્યવસાય શરૂ કર્યો. ગ્રાહકોનો જબરજસ્ત પ્રતિસાદ મળતા પોતાની ડેરી પ્રોડક્ટ્સ બનાવી શરૂ કર્યુ વેચાણ.
દૂધ મંડળીમાં યોગ્ય ભાવ ના મળતા પોતાનો વ્યવસાય ચાલુ કર્યો
ત્યારે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત દૂધનું ઉત્પાદન કરવાનો હતો. તેમણે ગીર જેવી ઉત્તમ ઓલાદની ગાયો વસાવી અને દૂધ ઉત્પાદન શરૂ કર્યું. ગીર ગાયનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં, સ્થાનિક દૂધ મંડળીમાં તેમને યોગ્ય ભાવ મળતો ન હતો. પરંતુ નિરપેક્ષભાઈ નિરાશ થયા વગર પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કર્યો. તેમણે સીધું જ ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત દૂધ પહોંચાડવાનું નક્કી કર્યું. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં તેમણે પોતાની રીતે ગીર ગાયના દૂધનું વેચાણ શરૂ કર્યું અને ગ્રાહકોએ તેમના શુદ્ધ દૂધને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો.
ગ્રાહકોનો પ્રતિસાદ મળતા ડેરી પ્રોડક્ટ્સ ચાલુ કરી
દૂધની સફળતા બાદ નિરપેક્ષભાઈએ આગળ વધીને ગીર ગાયના દૂધમાંથી જ વિવિધ ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું. તેમણે છાસ, દહીં, પનીર અને સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવીને તેનું પણ વેચાણ શરૂ કર્યું અને આ ઉત્પાદનોને પણ ગ્રાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. આજે નિરપેક્ષભાઈ પાસે 310 જેટલી ગીર ગાયો છે. તેમની મહેનત અને લગનને કારણે તેમનો વ્યવસાય ખૂબ જ વિકસ્યો છે. પરંતુ તેમની સફળતા માત્ર દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ સુધી જ સીમિત નથી. પશુપાલક ગીર ગાયના દૂધમાંથી જે શુદ્ધ ઘી બનાવે છે, તેની માંગ તો ગુજરાતમાં છે જ, પરંતુ મુંબઈ, ગોવા સહિત અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં પણ છે. તેમની ગુણવત્તા અને શુદ્ધતાને કારણે તેમનું ઘી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત બન્યું છે.
ગાયના છાણાંનો પણ કરે છે સદ્દઉપયોગ
આ પશુપાલક ગાયના છાણનો પણ સદુપયોગ કર્યો છે. તેઓ ગાયના છાણમાંથી અગરબત્તી, વિવિધ આયુર્વેદિક દવાઓ અને સાબુ જેવી ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવે છે અને તેનું પણ સીધું વેચાણ કરે છે. આ રીતે તેઓ બેઠા બેઠા મહિને 4 થી 5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એક બાજુ બજારોમાં નકલીની હારમાળા સર્જાઈ છે. ત્યારે હવે લોકો પણ ગુણવત્તાયુક્ત અને પોષક તત્વોથી ભરપૂર ગીરની ગાયનું દૂધ લેવા આ પશુપાલકના તબેલા આવીને તેમની સામે જ દોહેલુ દૂધ અને દૂધી પ્રોડક્ટ લઈ જાય છે.
નિરપેક્ષભાઈ પટેલની આ કહાની દરેક પશુપાલક અને ખેડૂત માટે પ્રેરણારૂપ છે. તેમણે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો ગામડામાં રહીને પણ આત્મનિર્ભર બની શકાય છે અને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી શકાય.