
ગુજરાતના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. દૂધના ભાવફેરમાં ઘટાડો થવાના આક્ષેપ સાથે પશુપાલકો આક્રમક મૂડમાં આવ્યા છે.
પશુપાલકો આ મામલે લડી લેવાના મૂડમાં
પશુપાલકોએ ડેરી સામે બાંયો ચઢાવી છે, પશુપાલકો આ મામલે લડી લેવાના મૂડમાં છે. મળતા અહેવાલ પ્રમાણે ચાલુ વર્ષે સાબર ડેરીએ 500 કરોડ ભાવફેર ચૂકવ્યો હતો. જે વર્ષ 2022-23ના 655 કરોડ અને 2023-24ના 602 કરોડથી નોંધપાત્ર રીતે ઓછો છે.
ઘટાડાથી પશુપાલકોમાં ભારે નારાજગી ફેલાઈ
આ ઘટાડાથી પશુપાલકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ મુદ્દે વિરોધ માટે 14 જુલાઈ, સોમવારે તમામ પશુપાલકોને સાબર ડેરી ખાતે એકઠા થવાનું આહ્વાન કરાયું છે. પશુપાલકોનો આરોપ છે કે ભાવફેર ચૂકવવા સાબર ડેરીએ 300 કરોડની લોન લીધી છે, જેની ભરપાઈ પશુપાલકોના ભાગે થઈ રહી છે.