
ગુજરાતમાંથી અવારનવાર સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાય છે. એવામાં ગુજરાતમાંથી આજે બે સ્થળો પરથી સરકારી કર્મચારીઓને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. એલીબીની ટીમે દાહોદમાંથી પ્રાથમિક શાળાના આચાર્યને ઝડપ્યા હતા તો બનાસકાંઠામાંથી એક ઇન્ચાર્જ અધિક્ષક લાંચ લેતા ઝડપાયો છે.
દાહોદમાંથી પ્રાથમિક શાળાના આચાર્યે લાંચ લેતા ઝડપાયા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યેને દાહોદ એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. વાહન ભાડાના કમિશન પેટે ફરીયાદી પાસે રુપિયા 14,000ની લાંચ માંગી હતી. લાંચની રકમ સ્વીકારતા આચાર્યને એસીબીએ ઝડપી પાડ્યા છે. આરોપી આચાર્ય ગોપાલ ચમારની એસીબીએ ધરપકડ કરી છે.
આરોપી આચાર્ય મુળ અરવલ્લી જિલ્લાના મેઘરજના વતની છે. અને પીપોદરા ગામની શાળામાં વર્ગ-3ના આચાર્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ફરિયાદીએ શાળામાં બાળકોને લાવવા-મૂકવા માટે પોતાનું ફોરવ્હીલ વાહન ભાડે આપ્યુ હતું. ફરિયાદીના બેંક ખાતામાં વાહન ભાડા પેટે ₹28,590 જમા થયા હતા. આ રકમમાંથી આરોપી આચાર્યે કમિશનના નામે ₹14,000ની લાંચની માંગણી કરી હતી.
આરોપીની વારંવારની માગણીથી કંટાળેલા ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ બે સરકારી પંચોની હાજરીમાં છટકું ગોઠવ્યું હતું. શાળાની ઓફિસમાં ફરિયાદી અને પંચની હાજરીમાં આરોપીએ ₹14,000ની લાંચ સ્વીકારતા એસીબીએ તેમને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
બનાસકાંઠામાં નશાબંધી અને આબકારીની કચેરીએ ACB ની ટ્રેપ
બનાસકાંઠામાં એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ નશાબંધી અને આબકારી કચેરીમાં ACB ની સફળ ટ્રેપ ગોઠવી હતી. નાયબ નિરીક્ષક વર્ગ-૩ના હાલમાં ઇન્ચાર્જ અધિક્ષક એવા હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી 7000 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ફરિયાદીએ હેલ્થ પરમીટ લાયસન્સ મેળવવા નશાબંધી અને આબકારીની કચેરીએ અરજી કરી હતી. હેલ્થ પરમીટનું લાયસન્સ આપવા આરોપીએ કાયદેસરની ફી ઉપરાંત રૂ.૭,૦૦૦ની ગેરકાયદેરની લાંચની માગણી કરી હતી.
ગેર કાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ના હોવાથી ACB નો સંપર્ક કર્યો અને ફરિયાદ નોધાઇ હતી. ત્યારે આજે ACB એ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાયો હતો.