
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આંતકવાદી હુમલામાં 26 ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી અને આતંકવાદ સામે લડવા સરકાર દ્વારા પાંચ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં પાકિસ્તાની નાગરીકો દ્વારા ભારતીય વિઝા મેળવવામાં આવ્યા હોય તેવા તમામના વિઝા 27 એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઇ એલર્ટ છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી વસતા બાંગલાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે.
તાપીમાં જિલ્લા પોલીસ વડા સહિતના સ્ટાફ દ્વારા મોડી રાત્રે સર્ચ ઓપરેશન
તાપીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા તાપી પોલીસ દ્વારા મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સહિતના સ્ટાફ દ્વારા સોનગઢ નગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સોનગઢના અમન પાર્ક, ઈસ્લામપુરા, અલીફ નગર, સોનગઢ આવાસ, મુસ્લિમ ફળિયુ સહીત મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોલીસ દ્વારા આધાર પુરાવાઓ ચેક કરવામાં આવ્યા હતા. વાલોડ અને વ્યારાના અલગ અલગ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.
નવસારી શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ
નવસારીમાં પણ પાકિસ્તાની ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. DYSP, PI ,PSI સહિતનો સ્ટાફ વહેલી સવારથી કોમ્બિંગ માટે મેદાનમાં ઉતર્યા છે. મુસ્લિમ બહુલ વિસ્તારમાં અનેક લોકોના આધાર કાર્ડ ચેક કરવામાં આવ્યા હતા. DYSP સંજય રાય સહિતની ટીમ મેદાનમાં ઊતરી આવી છે. સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું જેના ભાગરૂપે નવસારીમાં પણ કામગીરી હાથ ધરાઈ છે.
વલસાડ જિલ્લામાં પણ આખી રાત પોલીસનું ચેકિંગ
વલસાડ પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/1916442917603881226
ભાવનગરના વિસ્તારોમાં વિદેશી નાગરિકો અંગે વેરિફિકેશન ચેકિંગ
ભાવનગર પોલીસ દ્વારા બાર્ટન લાઈબ્રેરી સહિતના વિસ્તારોમાં વિદેશી નાગરિકો અંગે વેરિફિકેશન ચેકિંગ હાથ ધરાયું હતું. ભાવનગર ગંગાજળિયા પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું, શહેરના બાર્ટન લાઈબ્રેરી, સાંઢીયાવાડ સહીતની જગ્યાઓ પર બાંગલાદેશી નાગરિકો ઘુસણખોરી મામલે ચેકીંગ કરાયું હતું. પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર શંકાસ્પદ લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહીતની કાર્યવાહી કરાઈ હતી.
સુરત શહેરમાંથી પકડાયેલા 134 બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવી
જેમાં પકડાયેલા 65ના ફોનમાંથી સ્ટોર કરેલા બાંગ્લાદેશના નંબર મળી આવ્યા હતા. પકડાયેલા બાંગ્લાદેશી માટે રાઉન્ડ ધ ક્લોક 100 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સુરત પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓના પકડવા માટે એક ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં 47 મહિલા 87 પુરુષ મળી કુલ 134 બાંગ્લાદેશીઓને શનિવારે વહેલી સવારે પોલીસે પકડી પાડવામાં આવ્યા હતા. બાંગ્લાદેશીઓ પાસેથી આધારકાર્ડ પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો પણ મળી આવ્યા હતા. આ ડોક્યુમેન્ટો બોગસ બનાવ્યા હોવાને આશંકા પોલીસને લાગી રહી છે. પોલીસે બાંગ્લાદેશીઓ પાસેથી 100થી વધુ મોબાઈલ જમા કરી લીધા છે.
સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે બાંગ્લાદેશી નાગરિકોનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં વરાછા પોલીસ મથકની ટીમ કામે લાગી હતી. ત્રિકમનગર, જવાહર નગર, અંબિકા નગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તમામ શંકાસ્પદ લોકોને એકઠા કરી આધારકાર્ડ તેમજ અન્ય પુરાવાઓ ચેક કરવામાં આવ્યા હતા. જો કે, હજુ સુધી કોઈ ઘૂસણખોર બાંગ્લાદેશી મળી આવ્યો નથી.
સુરત જિલ્લાના બારડોલી સહિતના વિસ્તારોમાં પણ મોટી કાર્યવાહી
સુરત જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં બાંગ્લાદેશી તથા પાકિસ્તાની નાગરિકોની તપાસ હાથ ધરાઈ છે. ગ્રામ્ય પોલીસે એલસીબી, એસઓજી મળી 12 જેટલી ટીમ બનાવી છે. ગેરકાયદે અને શંકાસ્પદ રીતે બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢ્યા છે. બારડોલી, પલસાણા, કડોદરા, કામરેજ, કિમ, કોસંબા, ઓલપાડ, માંડવી પોલીસ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 239 જેટલા ગેરકાયદે અને શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમો ઝડપાયા છે.
જિલ્લા પોલીસની કુલ ૧૨ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી. બારડોલી ટાઉનમાંથી 43 પલસાણામાંથી 55, કડોદરામાંથી 29, કામરેજમાંથી 35, કીમમાંથી 12, કોસંબામાંથી 25, ઓલપાડમાંથી 33 અને માંડવીમાંથી ૦૭ શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમો મળી આવ્યા છે.
વડોદરામાં પોલીસ દ્વારા મોડી રાત્રે મોટી કાર્યવાહી
વડોદરા પોલીસે શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગતરોજ વડોદરા રેલવે પોલીસ વડોદરા રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કર્યું હતું. તે દરમિયાન મોડી રાત્રે હાવડા એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં પોલીસ દ્વારા તપાસ કરતા 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા હતા. રેલવે પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને કલકત્તા જવા નીકળ્યા હતા. અને કલકત્તાથી તેઓ બાંગ્લાદેશ જવાના છે તેમ જણાવ્યું હતું. જેથી રેલવે પોલીસ દ્વારા ડીટેન કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારોમાં તપાસ
પોરબંદરમાં સમુદ્રી તટ પરના ગામોમાં તપાસને લઈ પોરબંદર પોલીસ હરકતમાં આવી છે. શુભાષનગર વિસ્તાર તેમજ બંદર વિસ્તારોમાં સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની 7 ટીમ દ્વારા 29 શંકાસ્પદ શખ્સોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ કરી હતી. પોલીસે રાતભર કરેલી કામગીરીમાં આસામ, કર્ણાટક, બિહાર, ઝારખંડ અને બંગાળ સહિતના રાજ્યોના લોકો છે જેઓ માછીમારો અને દંગા વિસ્તારમાં મજૂરી કામ કરી રહ્યા છે. મજૂરી કામ કરતા 29 લોકો સામે પોલીસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આગળની વધુ કાર્યવાહી કરશે.