
Navsari news: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકૂવા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વાંદરવેલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો મૃત હાલતમાં મળી આવ્યા છે. 45 વર્ષીય શિક્ષિકા લતા પટેલના ઘરેથી તેમનો અને તેમના મિત્ર શિક્ષક છોટુ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ પાડોશીઓએ ચીખલી પોલીસને કરી હતી.
મળતી માહિતી અનુસાર, નવસારી ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહનો કબ્જો લીધો હતો. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે છોટુ પટેલે પહેલા લતા પટેલની હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી. જોકે, મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આ કેસની તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.