
સુરતની સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઊલટીની સારવાર માટે દાખલ સવા વર્ષનો બાળક રમતા રમતા 4 સેમી લાંબી પિન ગળી ગયો હતો. માતાને ખ્યાલ આવી જતા તેઓ તાત્કાલિક તબીબો પાસે દોડી ગયા હતા. એક્ષરે કરાવતા પીન શ્વાસ નળીમાં ફસાયેલી હોવાનું સામે આવતા તાત્કાલિક દુરબીનની મદદથી પિન બહાર કાઢી લેવાઈ હતી.
ખાનગીમાં ખર્ચ 60 હજાર થતો
નવસારી બજાર રહેતા સમીર શેખના સવા વર્ષના પુત્ર અફવાનને ઝાડા-ઊલટી થતાં બે દિવસથી સિવિલની સ્ટેમસેલ બિલ્ડિંગમાં સારવાર માટે દાખલ હતો. રવિવારે વોર્ડમાં દાખલ અન્ય બાળકો સાથે તે રમતો હતો ત્યારે હીજાબ બાંધવાની પિન મળી જતાં તે ગળી ગયો હતો. ઈએનટી વિભાગમાં ડો. ઉર્વશી પટેલ, ડો. પ્રિતમ શાહુ અને ડો. મહેન્દ્ર પરમારે બ્રોન્કોસ્કોપી કરી દોઢ કલાકની જેહમત બાદ પિન કાઢી હતી. ખાનગી હોસ્પિટલમાં આ પ્રોસિજરનો ખર્ચ 50થી 60 હજાર થયો હોત, જે સિવિલમાં વિનામૂલ્યે થઈ હતી. પિન લાંબી અને અણીદાર હોવાથી જોખમ હતું.
દોઢ કલાક ચાલી સર્જરી
અંદાજીત 4 સે. મીટરની લાંબી પ્લાસ્ટીકના માથાવાળી ટાંકણી હતી. જોકે ડોકટરો ટીમ દ્વારા દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને સર્જરી કરી હતી. જયારે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી અને સારવારનો ખર્ચ રુ. 40થી 50 હજાર થતો હોય છે. પણ સિવિલમાં ફ્રી સફળ સર્જરી થતા તેમના પરિવારજનોની તકલીફ અને ટેન્શન પણ દુર થયુ હતુ અને સાથે હાશકારો અનુભવ્યો હતો.