
અમદાવાદ બાદ હવે ઓલપાડ તાલુકામાં પણ ‘દાદા’ના બુલડોઝર ફરતા દબાણકર્તાઓમાં ફફડાટ, ઓલપાડની તેનાખાડીને અડીને બરબોધન ગામ પાસે ગેરકાયદે ઝીંગા તળાવો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યું. ૧૦થી વધુ ગામોમાં ગેરકાયદેસર તાણી દેવાયેલા ઝીંગા તળાવોથી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી હતી.
સૌરાષ્ટ્ર અને અમદાવાદ બાદ હવે સરકારી તંત્રએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં પણ 'ભૂપેન્દ્ર દાદા'નું બુલડોઝર ફરવાનું શરૂ થતાં દબાણ કરનારા ઇસમોમાં ફ્ફડાટનો માહોલ ફેલાયો છે. ઓલપાડ તાલુકાની દરિયાઈ કાંઠાપટ્ટીની સરકારી જમીનમાં અનેક જમીન માફિયાઓ અસંખ્ય ગેરકાયદેસર ઝીંગા તળાવો તાણી બાંધી વેપલો કરી રહ્યા છે.
આ માફિયાઓ ઝીંગા તળાવો ઉપર વીજચોરી પણ કરી રહ્યા હોવાની બુમો ઉઠી છે. આ ઉપરાંત ઝીંગા તળાવોના મહાકાય પાળાના કારણે ચોમાસું ઋતુના વરસાદી પાણીના નિકાલની સમસ્યા પણ દર વર્ષે માથાનો દુ:ખાવો બની રહી હતી. જેના કારણે ચોમાસાના ધોધમાર વરસાદમાં નીચાણવાળા ગામો અને જાહેર રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં તાલુકા મથકથી સંપર્ક વિહોણા બનેલા આ ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા.
આ પણ વાંચો : વડોદરાના હરણી બોટકાંડમાં તમામ મૃતકો માટે વળતર જાહેર કરાયું, કુલ 14 લોકોએ ગુમાવ્યો હતો જીવ
જિલ્લા કલેક્ટર, ઓલપાડ પ્રાંત અધિકારીની સૂચનાથી મામલતદાર અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દરિયાઈ કાંઠાપટ્ટીના તેનાખાડીને આવેલા બરબોધન ગામની સીમમાં બુલડોઝર લઈને પહોંચી હતી. આ ટીમે ગ્રામ પંચાયતના સ્થાનિક સ્ટાફની ઉપસ્થિતમાં ગેરકાયદેસર રીતે તાણીને બાંધેલા ઝીંગા તળાવો ઉપર બુલડોઝર ફેરવી દબાણ હટાવાની કામગીરી શરૂ કરી હતી.
આ બાબતે ઘટના સ્થળે પહોંચેલા ઓલપાડ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર એચ.ડી.ચોપડાએ જણાવ્યું હતું કે, તેનાખાડીને અડીને સરકારી બ્લોક નંબરવાળી જમીનમાં આશરે ૧૯થી વધુ ગેરકાયદે ઝીંગાના તળાવો ખાલી છે અને આ તળાવોમાં ઝીંગા ઉછેરના બચ્ચા મુકેલ ન હોવાથી કોઈને પણ આર્થિક નુકસાન થયું નથી. જ્યારે આ તળાવોનું દબાણ દુર થવાથી આશરે બે લાખ ચો.મી.સરકારી જમીન ખુલ્લી થશે.
મહત્વ નું છે કે ન માત્ર બરબોધન ગામ પરંતુ ઓલપાડ તાલુકાના દરિયા કાંઠાના સરસ, લવાછા, કુદિયાણા, દાંડી, મંદરોઈ, સોંદલાખારા, કોબા, દેલાસા સહિત ચોર્યાસી તાલુકાના ગામોમાં પણ બનાવાયેલા ગેરકાયદે ઝીંગા તળાવો પણ તંત્ર દૂર કરે તે જરૂરી છે. ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર દબાણ કરી ઝીંગા તળાવનું સામ્રાજ્ય ઉભું કરતા ભુમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ સહિતની કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.