
સુરતના નિયોલ ચેક પોસ્ટ ખાતે ફરી એકવાર નકલી નોટોના બંડલ ઝડપાયા છે. સારોલી પોલીસે માહિતીના આધારે મુંબઈથી નકલી નોટોની ડિલિવરી આપવા આવેલા ત્રણ યુવાન 500 અને 200ની 63872 નોટોના 64 બંડલ સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા યુવાનોએ કહ્યું કે અમને મુંબઈના વિલેપાર્લેમાં એક વ્યક્તિ મળ્યો હતો જેણે અમને આ નકલી નોટોના બંડલો આપ્યા હતા. તેણે અમને આ બંડલોની ડિલીવરી સુરત રેલવે સ્ટેશને આપવાની કહી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલે હવે મુંબઈના અહેમદનગરના યુવાનની સંડોવણી ખુલી છે જેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, સારોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલસિંહ અને વિલેશને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે શનિવારે (14મી ડિસેમ્બર) સાંજે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ચાલતા ચાલતા સુરત તરફ આવતા ત્રણ યુવાનો દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની જડતી લેતા તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળ્યા હતા.
બેગમાંથી 500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળ્યા
પોલીસે ત્રણેય પાસેની બેગની જડતી લેતા તેમાંથી 500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળ્યા હતા. બેન્કમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટીક વીંટાળેલું હોય તે રીતે મળેલા આ બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની નોટ વ્યવસ્થિત મુકેલી હતી.
પોલીસે રૂપિયા 500ની અસલી 86 નોટ, રૂપિયા 200ની અસલી 42 નોટ, મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની 500ની 42914 અને 200 ની 20958 નોટ કબજે કરી હતી. ત્રણેયની પુછપરછ કરતા દત્રાત્રેય રોકડેએ જણાવ્યું હતું કે અહમદનગરના બુરડગાંવમાં રહેતા રાહુલ મહાદેવ કાલેએ અઠવાડિયા અગાઉ તેમનો સંપર્ક કરી સુરતમાં મોટી મોટી માર્કેટ આવેલી હોય ત્યાં રૂપિયા 500 અને 200 રૂપિયાની અસલ નોટ ઉપર અને નીચે મૂકી વચ્ચે નકલી નોટોના બંડલ તૈયાર કરી તેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા કહ્યું હતું.
રાહુલે તેમને માર્કેટમાં મોટા વ્યવહારોમાં આ બંડલો ફરતા કરી સરખે હિસ્સે નફો આપવાનું પણ કહ્યું હતું અને ડિલિવરી પેટે 10 હજાર રૂપિયા કમિશન આપવા કહ્યું હતું. તે શુક્રવારે રાત્રે ત્રણેયને મુંબઈના વિલેપાર્લે બસ સ્ટેશન ખાતે નોટોના બંડલો ભરેલલી બેગો આપી ગયો હતો. ત્રણેય લકઝરી બસમાં સુરત આવ્યા હતા અને નિયોલ ચેક પોસ્ટ પહેલા ઉતરી ચાલતા ચાલતા સુરત તરફ આવતા હતા. ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો: નોર્મલ કરતાં સિઝેરિયન ડિલીવરી દ્વારા કમાણીમાં ડૉક્ટરોને વધુ રસ, ગાયનેક હોસ્પિટલોમાં પ્રસૂતા 'ગ્રાહક' બની
ગુલશન અગાઉ એક્સીસ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો
સારોલી પોલીસે ઝડપેલા ત્રણ યુવાનો પૈકી હાલ જોગેશ્વરીમાં રહેતો મૂળ પૂણેનો ગુલશન અજીત ગુગલે અગાઉ એક્સીસ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. બેન્કે તેને કોલકત્તા ટ્રાન્સફર આપતા તેમણે નોકરી છોડી દીધી હતી અને હાલ તે બેકાર છે. કમિશનની લાલચમાં તે અહીં આવ્યો હતો.
અગાઉ પણ એક યુવાન 500ના ચાર બંડલ સાથે ઝડપાયો હતો
અગાઉ પણ એક યુવાન 500ના ચાર બંડલ સાથે ઝડપાયો હતો. દિવાળી સમયે લોકોને ભોળવી નકલી નોટના બંડલ પધરાવી ઠગાઈ કરવા માટે ઉપર અને નીચે 500 રૂપિયાની અસલી નોટ મૂકી વચ્ચે મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની નોટ વ્યવસ્થિત મૂકી તેના ચાર બંડલ તૈયાર કરી તેની ડિલિવરી કરવા જલગાંવથી સુરત આવેલા ફારૂક બિસ્મીલાને સારોલી પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસે બંડલની ડિલિવરી લેવા આંધ્ર પ્રદેશના એલુરથી આવેલા બેકાર યુવાન મનોહર અક્કલાને રેલવે સ્ટેશન પાસેથી છઠ્ઠી ઓક્ટોબરે ઝડપી લીધો હતો.