
સુરતની ધરતી દાનવીર કર્ણની ભૂમિ માનવામાં આવે છે. અહિં લોકો ખુલ્લા હાથે જીવતા તો દાન કરે જ છે. પરંતુ ત્યારબાદ એટલે કે આ ફાનિ દુનિયા છોડ્યા બાદ પણ અંગોનું દાન કરવામાં પાછી પાની કરતાં નથી. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૪મું સફળ અંગદાન થયું હતું. મૂળ રાજસ્થાનના બિરાણી પરિવારના બ્રેઈનડેડ આશિષભાઈ બિરાણીની બે કિડની, એક લીવર અને બે આંખનું દાન થતા પાંચ જરૂરિયાતમંદોના જીવનમાં નવી રોશની પથરાશે.
દર્શન કરવા ગયા બાદ આવ્યા હતા ચક્કર
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના સિકારડા ગામના અને વર્ષોથી સુરતમાં પર્વત ગામ ખાતે સ્થાયી થયેલા બિરાણી પરિવારના મોભી ૪૫ વર્ષીય આશિષભાઈ ગેહરીલાલ બિરાણી પરિવાર સાથે રાજસ્થાનના રતલામ ખાતે જૈન મુનિજીના દર્શનાર્થે ગયા હતા. આશિષભાઈનું બ્લડ પ્રેશર વધવાની સાથે અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર અર્થે રતલામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોક્ટરના કહેવાથી અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તા.૧૮મી જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આઈ.સી.યુ.માં શિફટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તા.૨૦મીએ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો. હેમલ છેડા અને ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.તેમને બ્રેઈન હેમરેજ થયાનું નિદાન થયું હતું.
અંગદાનનું પરિવારે સમજ્યું મહત્વ
બિરાણી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ આશિષભાઈના પત્ની સોનુંબેન અને મોટાભાઈ લલીતભાઈએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વ.આશિષભાઈને એક ૧૫ વર્ષોનો દિકરો તથા ૧૮ વર્ષની દિકરી છે. સ્વ.આશિષભાઈ વ્યવસાયે જ્વેલરીનું કામ કરતા હતા.આજે બ્રેઈનડેડ આશિષભાઈની લીવર અને બે કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં તેમજ બે આંખ નવી સિવિલ હોસ્પિટલની EYE બેન્કમાં લઈ જવામાં આવી હતી. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.