
રાજય સરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ વર્ષે દહાડે હજારો જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં દાખલ કરવાનું કાર્ય કરી રહી છે. અનેક મરણોન્મુખ આવી ગયેલા નાગરિકો માટે આશાનું કિરણ સાબિત થતી હોય છે. સાથે રાજય સરકારના ગુજસેલ વિભાગ દ્વારા કાર્યરત એર એમ્બ્યુલન્સથી ગુજરાતમાંથી બીજા રાજયની હોસ્પીટલોમાં દર્દીને ઈમરજન્સીના સમયે સારવાર માટે શીફટ કરવામાં આવે છે. આવી ધટના બની છે સુરત શહેરમાં.
વેન્ટિલેટર પર હતા દર્દી
શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈને હદયરોગની વધુ સારવાર પડતા તાત્કાલિક ધોરણે એર એમ્યુલન્સ દ્વારા મુંબઈની ખાનગી હોસ્પિટલ દ્વારા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલ દ્વારા ચાલતી એર એમ્બ્યુલન્સ ૧૦૮ ઈમરજન્સી સેવાના ટેરેટરી ઇન્ચાર્જ અજય કદમ, રોશન દેસાઈ અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈ સુરતની ખાનગી હોસ્પિટલમાં હૃદયને લગતી બિમારીના કારણે વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા હતા.
તાત્કાલિક મળી સુવિધા
વધુ સારવાર માટે તેઓને તત્કાલ મુંબઈ લઈ જવા જરૂરી હતા. જેથી ડાહ્યાભાઈના દીકરાએ ૧૦૮માં ફોન કરીને એર એમ્યુલન્સ દ્વારા તેમના પિતાને મુંબઈ લઈ જવાની વિગતો આપી હતી. ૧૦૮ના સ્ટાફે તત્કાલ તમામ પ્રક્રિયા આટોપીને વહેલી સવારે શહેરની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ ડાહ્યાભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી લીલાબેન તેમજ પાયલટ ભરતભાઈએ સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચાડ્યા હતા. ત્યારબાદ તેમને એર એમ્બ્યુલન્સમાં સલામતીપૂર્વક મુંબઈની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને દાખલ કરવામાં આવ્યા હતા.