
ડાયમંડ સિટી તરીકે જાણીતું બનેલા સુરત શહેરમાં હીરા ઉદ્યોગના ઉદ્યોગને મંદીની નજર લાગી છે. જેના પગલે અત્યાર સુધીમાં અનેક નાના-મોટા હીરાના કારખાના બંધ થઇ ગયા હતા. પરિણામે હજારો રત્નકલાકારો બેરોજગાર બન્યા, વતનની વાટ પકડી અને નાના મોટા ધંધામાં જોતરાઇ ગયા. બીજી તરફ ફરી એકવાર હીરા ઉદ્યોગ બેઠો થાય એવી આશા સાથે કેટલાક હીરાના વેપારીઓએ કપરી પરિસ્થિતિમાં પણ હીરાના કારખાના આગળ ધપાવ્યા. હીરા ઉદ્યોગ માટે અમેરિકા અને ચીન સૌથી મોટું બજાર છે. ત્યારે આ બંને દેશો વચ્ચે થયેલી બિઝનેસ ડીલના નિર્ણયોની અસર જોવા મળી.
પડ્યા પર પાટુ પડ્યું હોય એમ યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધના લીધે તેની સીધી અસર હીરા ઉદ્યોગ પર જોવા મળી. એટલું જ નહી ઇઝરાયેલ અને પેલિસ્ટાઇન વચ્ચે જે પ્રકારે યુદ્ધ ચાલી રહ્યું છે તેને જોતાં હીરા ઉદ્યોગ ફરી બેઠો થાય એવું લાગી રહ્યું નથી. હીરા ઉદ્યોગનું ભવિષ્ય અંધકારમય જોવા મળી રહ્યું છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં બેલ્જિયમની હીરા પેઢીએ 142 કરોડની નાદારી નોંધાવી છે.
આ પણ વાંચો: લોનમાં ડૂબી રહ્યો છે ભારતીય નોકરિયાત વર્ગ, દર વર્ષે ખૂબ જ ઝડપથી વધે છે આ આંકડો
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને પગલે રોજગારીનો કકળાટ
ડાયમંડ ઉદ્યોગમાં મંદીના પગલે આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યો છે. ઘણા હીરા કારખાનાઓમાંથી રત્ન કલાકારોનેને છૂટા કરવામાં આવી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગ હાલ ભયંકર મંદીમાંથી પસાર થઇ રહ્યો હોવાથી રત્નકલાકારો બેરોજગાર બની રહ્યા છે. બેરોજગારીના કારણે આર્થિક ભીંસમાં મુકાતા રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે. ગત 18 મહિનામાં 70 જેટલા રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. જેથી રત્નકલાકારોને આપઘાત કરતા અટકાવવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન ઉપર આર્થિક સહયોગના સતત કોલ આવી રહ્યા છે.
હીરાની નિકાસ પણ ઘટી
કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 25.23 ટકા ઘટીને રૂ. 1,32,128.29 કરોડ થઈ હતી, જે વર્ષ 2022-23 દરમિયાન 1,76,716.06 કરોડ રૂપિયા હતી. પોલિશ્ડ કૃત્રિમ હીરાની નિકાસ નાણાકીય વર્ષ 2023માં 13.79 ટકા ઘટીને 11,611.25 કરોડ રૂપિયા થઈ છે, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 13,468.32 કરોડ હતી. જો કે, આંકડાઓ અનુસાર, સોનાના આભૂષણોની કુલ નિકાસ 2022-23માં રૂ. 76,589.94 કરોડથી 2023-24માં 20.57 ટકા વધીને રૂ. 92,346.19 કરોડ થઈ છે.