
સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેર અને જિલ્લામાં આવેલી 23 જેટલી ખાનગી પ્રાથમિક સ્કૂલોની માન્યતા રદ કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમામ સ્કૂલો “ફાયર NOC” અને “મોકડ્રિલ રિપોર્ટ” જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની માર્કશીટ મેળવવા માટે સંચાલકો શિક્ષણાધિકારી કચેરીએ પહોંચી રહ્યા છે. પરંતુ, જે સ્કૂલો આ મહત્ત્વના દસ્તાવેજો રજૂ નહીં કરે, તેમને વિદ્યાર્થીઓના પરિણામ જ આપવામાં નહીં આવે એવું શિક્ષણ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે.
બોર્ડના પરિણામ નહીં અપાય
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તમામ સ્કૂલ સંચાલકોને સ્પષ્ટપણે કહ્યું કે, ફાયર સલામતીને લઈને હાઇકોર્ટના આદેશ અને રાજ્ય શિક્ષણ વિભાગના સૂચનાનુસાર હવે પરિણામ (માર્કશીટ) મેળવવા માટે સ્કૂલોએ ફાયર NOC અને મોકડ્રિલ રિપોર્ટ આપવો ફરજિયાત છે. આ બે દસ્તાવેજ વગર કોઈપણ સ્કૂલને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પરિણામ આપવામાં નહીં આવે. જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સંચાલકો માર્કશીટ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પહોંચે છે. તમામને સૂચના આપવામાં આવી છે કે, માર્કશીટ જ્યારે લેવા માટે આવે ત્યારે સ્કૂલ સંચાલકને ફાયર NOC અને મોકડ્રિલ રિપોર્ટ સાથે રજૂ થવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
સ્કૂલોનું બેદરકારી ભર્યુ વલણ
સ્કૂલ સંચાલકો પાસેથી ફાયર NOC અને મોકડ્રિલ રિપોર્ટ માગવામાં આવ્યો ત્યારે 23 સ્કૂલો આવી મળી જેમણે હજુ સુધી આવું કોઇ પ્રમાણપત્ર મેળવી જ નથી કે અપડેટ કરાવ્યું નથી. અમુક સ્કૂલોએ તો જૂના દસ્તાવેજો આપ્યા, જે અમાન્ય અને અધૂરા હતા. શિક્ષણ વિભાગે આવી બેદરકારીને ગંભીરતાથી લઈ તપાસ અને નોટિસ આપવાનું તાત્કાલિક શરૂ કર્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હવે આવી સ્કૂલો સામે કાર્યવાહી માટે પત્રકાર, નગરસેવક, શિક્ષણવિદ અને વર્ગ-1/2 અધિકારીઓની સમિતિ રચી છે. આ સમિતિ સ્કૂલોની મુલાકાત લઈ તપાસ કરશે અને સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અંગે રિપોર્ટ તૈયાર કરશે. જે સ્કૂલો ફાયર NOC નહીં આપી શકે, તેમની માન્યતા રદ કરવામાં આવશે.