સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે (સાતમી જુલાઈ) મધમાખીઓનું ઝુંડ ધસી આવ્યું હતું. જે સુરતથી જયપુરની ફ્લાઈટના લગેજ ડોર ઉપર બેસી ગયું હતું. જેને લઈને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફમાં ભાગદોડ મચી હતી. ઘટનાને પગલે ફ્લાઈટ એક કલાક લેઈટ થતા મુસાફરો અકળાઈ ગયા હતા.
એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ઓપરેટિંગ સ્ટાફમાં ભાગદોડ
સુરતથી જયપુરની ઈન્ડીગો એરલાઈન્સની ફ્લાઇટ સોમવારે સાંજે 4:20 વાગ્યે ટેકઓફ થવાની હતી. જોકે, તે પહેલા અચાનક મધમાખીઓનું ઝુંડ એરપોર્ટ પરિસરમાં ધસી આવ્યું હતું અને પ્લેનના લગેજ ડોર ઉપર બેસી ગયું હતું. જેથી ડોર બંધ કરી શકાય તેમ નહોતું. મધમાખીઓના કારણે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ઓપરેટિંગ સ્ટાફમાં ભાગદોડ મચી હતી. એરપોર્ટના મુસાફરોને પણ આ અંગે જાણ થતા ઉચાટ ફેલાયો હતો.
ફ્લાઈટ કલાક મોડી ઉપડી
મધમાખીને ભગાડવા માટે ધુમાડો કરવામાં આવ્યો હતો. પણ તેની કોઈ અસર થતી જણાઈ નહોતી. જેથી એરપોર્ટના ફાયર વિભાગને જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે ધીમેધીમે મધમાખીઓ અહીંથી દુર થઈ હતી. આ બધી પ્રક્રિયામાં ફ્લાઇટ એક કલાક મોડી ઉપડી હતી. મુસાફરો એક કલાક સુધી વિમાનમાં ગોંધાઈને અકળાઈ ગયા હતા. સુરત એરપોર્ટ પર પક્ષી, ભેંસ ધસી આવવાની ઘટનાઓ બની ચુકી છે. પરંતુ મધમાખીઓનું ઝુંડ ધસી આવ્યું હોય અને વિમાનના ડોર ઉપર ચોટી ગયું હોય તેવી આ પહેલી ઘટના છે.