અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરતના તાડવાડી રાંદેર વિસ્તારમાં રહેતા તબીબ દંપતીનું મૃત્યુ થયું હતું. ડોક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની અમિતા શાહનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના ડીએનએ મેચ થયા બાદ આજે તેમના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા હતાં. જેથી બન્નેના મૃતદેહ સુરત તેમના ઘરે લાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ રાંદેર તારવાડી વિસ્તારમાં આવેલા સુજાતા બંગ્લોઝમાંથી અંતિમયાત્રા યોજાઈ હતી. પોલીસ બંદોબસ્ત તેમજ મોટી સંખ્યામાં ડોક્ટર આલમ અને સ્નેહીજનો અંતિમયાત્રામાં જોડાયા હતાં.જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.
બર્થ ડે ઉજવવા જઈ રહ્યા હતા
અડાજણ સુજાતા સોસાયટીમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન શાહનો દીકરો અને દીકરી અમેરિકા રહે છે. ડોક્ટર હિતેશભાઈ શાહ અડાજણ ખાતે આવેલી સુગમ સોસાયટીમાં રહેતા હતા અને ત્યાં જ તેઓની સ્મિત ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા હતા. ડો. હિતેશ શાહ સુરતના તબીબ જગતમાં જાણીતું નામ હતા. છ મહિના પહેલાં ડો. હિતેશ શાહે હોસ્પિટલ બંધ કરી હતી. તેઓ સેવાકાર્યમાં જોડાયા હતા. 68 વર્ષીય ડો. હિતેશ શાહ પત્ની સાથે લંડન બહેનના બર્થ ડેના સેલિબ્રેશન માટે જઈ રહ્યાં હતાં ત્યારે કાળનો કોળિયો બની ગયા છે.
મુંબઈની જગ્યાએ અમદાવાદથી ફ્લાઈટ પકડી
ડો. હિતેશ શાહના બે દીકરાઓ લંડનમાં જ સેટલ થયા છે. મોટે ભાગે જ્યારે પણ લંડન જવાનું થાય ત્યારે ડો. હિતેશ શાહ મુંબઈથી ફ્લાઈટ પકડતા હતા, પરંતુ આ વખતે કાળ જ તેમને અમદાવાદ લઈ આવ્યો હતો.ડોક્ટર હિતેશ શાહના નજીકના લોકો એ જણાવ્યું હતું કે, આ ડોક્ટર દંપતિ બહુધા મુંબઈથી જ લંડન જવાની ફ્લાઈટ પકડતા હતા, પરંતુ તેમનું મૃત્યુ જ અમદાવાદથી લંડનની ફ્લાઈટ પકડવા માટે ખેંચી લાવ્યું હોવાનું જણાય છે. વર્ષો પછી આ વખતે પ્રથમવાર તેઓ અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા અને કાળ તેમનો કોળિયો કરી ગયો હતો.