
સુરતના સચિન GIDC વિસ્તારમાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં એક 14 વર્ષીય ગુમ વિદ્યાર્થીઓનો તળાવમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી ગુમ હતો અને તેના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોયડું ઉકેલાતું નહોતું.
સ્કૂલ સામે ગંભીર આક્ષેપ
પરિવારને તળાવમાંથી એક શખ્સના મૃતદેહ મળ્યાની જાણ થઈ, તત્કાલ તેઓ ઘટના સ્થળે દોડી ગયા. મૃતકના પિતાએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, તેમના પુત્રને સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક અન્ય વિદ્યાર્થીએ માર્યો હતો અને ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે પણ શારીરિક દંડ આપ્યો હતો. વધુમાં, તે ધો.12ના વિદ્યાર્થીએ તેમના દીકરાને “બે દિવસમાં મારી નાખીશ” તેવી ધમકી આપી હતી.
તબીબી ટીમે તપાસ શરૂ કરી
આ ઘટના બાદ છોકરો સાયકલ લઈને ઘરમાંથી નીકળી ગયો હતો અને હવે તેનું મૃતદેહ તળાવમાંથી મળ્યું છે. આ બનાવને પગલે પરિવારમા શોકની લાગણી સાથે ગુસ્સો ફાટી નીકળ્યો છે.પરિવારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, "જ્યાં સુધી સ્કૂલના પ્રિન્સિપાલ અને માર મારનાર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે, ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં."પ્રકરણને ગંભીરતાથી લઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલવામાં આવ્યો છે. પોલીસ તેમજ તબીબી ટીમે વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર બનાવના તમામ દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે.