
દેશવિરોધી તત્ત્વો સામે ભારત સરકારે બતાવેલી દ્રઢતાના પુરાવા રૂપે હાથ ધરવામાં આવેલ ભારતીય વાયુસેનાનું વિશાળ અને સફળ ઓપરેશન – 'ઓપરેશન સિંદૂર' –ના પુરસ્કારરૂપ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પણ આ વિશિષ્ટ અને રાષ્ટ્રગૌરવની ક્ષણને વધાવી માનવી તિરંગા અને દેશભક્તિના નારાઓ સાથે રસ્તા પર ઉતરી પડ્યાં હતાં. લોકોએ મીઠાઈ વહેંચી હતી. કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ ઉજવણી કરતાં નારા લગાવ્યા હતાં.
રાહદારીઓને મીઠાઈ ખવડાવાઈ
શહેરના મજુરા ફાયર સ્ટેશન ચાર રસ્તા સહિત વિવિધ શાળા-કોલેજોમાં ખાસ કાર્યક્રમો યોજાયા, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશભક્તિ ગીતો ગાયા અને તિરંગાને સલામી આપી. શાળાઓમાં લાઈવ સ્પીચ, ડ્રોઈંગ સ્પર્ધાઓ, અને પેરેડ જેવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. ધર્મેશ ગામીએ કહ્યું કે, હાલ માહોલ રાષ્ટ્રભક્તિમય બનાવી દીધો છે.. કેટલીક જગ્યાએ તો સંગીત યંત્રો સાથે જુસ્સાદાર રેલીઓ પણ યોજાઈ. રાહદારીઓ અને વાહનચાલકોને મીઠાઈઓ ખવડાવીને લોકોએ ખુશી વ્યક્ત કરી.
24 મિસાઈલથી પાકિસ્તાનની ઊંઘ ઊડી
ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદી સંગઠનોના ૯ મુખ્ય તંબુઓને નિશાન બનાવીને ૨૪ મિસાઈલ દાગી. આ હુમલામાં અનેક આતંકીઓનો ખાતમો થયો હોવાની માહિતી મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે, જે ભારતની શૌર્ય પરંપરાનું પ્રતિક બની ગયું છે.