
અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના વરિયાવ રોડ પર મુસાફરો સાથેની બસને અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસના ટાયર ખાડામાં લટકવાં લાગ્યા હતાં. જેથી મુસાફરોમાં ડરનો માહોલ પેદા થયો હતો. 18 મુસાફરો બસમાં સવાર હતાં. તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.
મુસાફરોને સલામત બહાર કઢાયા
અકસ્માત અંગેની જાણ થતાં આસપાસથી કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા. જેઓએ બસમાં ફસાયેલા મુસાફરોની મદદ કરી હતી. તમામ મુસાફરો સહી સલામત બહાર નીકળી ગયા હતા. જયારે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, તે પહેલા જ બસમાં સવાર 18થી 20 જેટલા મુસાફરો સહી સલામત બહાર નીકળી ગયા હતા.
ઘટનાસ્થળે ટ્રાફિકજામની સ્થિતિ
અકસ્માત વખતે ડ્રાઈવર અંદર ફસાયેલો હતો. તેને પણ લોકોએ સહી સલામત બાહર કાઢી લીધો હતો. મુસાફરોની વ્યવસ્થા માટે અન્ય બસ બોલાવવામાં આવી હતી. જ્યારે ફસાયેલી બસને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ નહીં થવા પામી હતી અને તમામ મુસાફરો તેમજ ડ્રાઇવર પણ સહી સલામત હતા.