
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવા માટે નવો કિમીયો અપનાવતા ઝડપાયા છે. વલસાડ અને નવસારીના ત્રણ વિદ્યાર્થીએ બોલપેન પર પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ લખી હતી, પણ ફ્લાઈંગ સ્ક્વોડે તેમને ગણતરીની મિનિટોમાં પકડી પાડ્યા હતા. ચેકિંગ માટે આવેલી ફ્લાઇંગ સ્કવોડ ક્લોઝ ઇન્સ્પેક્શન કરી રહ્યું હતું ત્યારે છ ઇંચની એક સામાન્ય દેખાતી પેન પર જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો ખબર પડી કે એના ઉપર પેન્સિલથી બારીકાઈપૂર્વક સોલિડ યુઝ, એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્ત્વની ફોર્મ્યુલા લખી કાઢવામાં આવી હતી.
ખોટી જગ્યાએ મહેનત કરી
વિશેષ વાત એ છે કે આ ત્રણેય વિદ્યાર્થીએ બોલપેન ઉપર માઇક્રો લેવલની પેન્સિલથી લખાણ કર્યું હતું, જેથી સામાન્ય નજરે કંઈ જ ન જોવા મળે અને જ્યારે જવાબ લખી લેવામાં આવે ત્યારે તરત જ પેન ઉપરથી પેન્સિલના આ લખાણને ભૂંસી નાખવાનું યોજનાબદ્ધ કામ ચાલુ રાખ્યું હતું. ફ્લાઇંગ સ્ક્વોડે જ્યારે પેનની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે નકલની આ નવીન ટ્રિક જાહેર થઈ. એક નહીં, પણ અલગ-અલગ બોલપેન વડે છૂટક અને ચોક્કસ રીતે તમામ જવાબો લખીને પછી ભૂંસી નાખી દેવાની આ રીતને જોઈને પરીક્ષા અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વિદ્યાર્થીઓએ ભણવા માટે નહીં, પણ નકલનાં સાધનો તૈયાર કરવા માટે કલાકો જેટલો સમય કાઢ્યો હતો.
વિદ્યાર્થીને કરાયો દંડ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ કહ્યું કે વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી વિજ્ઞાનના તમામ જવાબો લખી લાવ્યા હતા અને પછી જવાબ લખી લીધા પછી ભૂંસી પણ નાખતા હતા છતાં પણ ફ્લાઈંગ સ્ક્વોડે ગણતરીની મિનિટોમાં આ ટ્રિક પકડી પાડી સફળતા પ્રાપ્ત કરી છે. હવે યુનિવર્સિટીની માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીએ આ ત્રણેય વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપવાની સાથે સાથે તેમને રૂ. 2500ના દંડની પણ સજા ફટકારી છે. યુનિવર્સિટીએ સમગ્ર વિસ્તારમાં આવેલી કોલેજોને પણ કડક ચેકિંગની સૂચના આપી છે.