
ભારત સરકારની હિતકારી સેવા આર.ટી.આઈનો ઘણા લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ કરી લોકો પાસેથી ખંડણી માંગવાનું કામ કરે છે. તંત્ર દ્વારા ઠેર ઠેર કાર્યવાહી કરીને આ પ્રકારના લોકોને ઝડપી પાડવામાં આવે છે. આ પહેલા પણ સુરતમાંથી RTIનો દુરુપયોગ કરી ખંડણી માંગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ થઈ હતી, એવામાં ફરી સુરતમાંથી આર.ટી.આઈ તોડકાંડમાં કોંગ્રેસ નેતાની ધરપકડ કરવામાં આવી છે. નેતાએ RTIનો દુરુપયોગ કરીને બિલ્ડર પાસેથી 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
અગાઉ પણ પૂર્વ કોર્પોરેટરની ધરપકડ થઈ ચૂકી છે
આ મામલે પોલીસે સુરત શહેર કોંગ્રેસ માજી ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. RTIનો દુરુપયોગ કરીને ખંડણી માંગવાને મામલે અવધેશ ઉર્ફે દાઢી શિવદેવસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસ દ્વારા ખંડણી પ્રકરણમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ કરી પૂછપરછ દરમ્યાન કોંગ્રેસ નેતાનું નામ સામે આવ્યું છે. જયસુખ કથેરીયા દ્વારા ખંડણીની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે કોંગ્રેસ નેતાની ધરપકડ કરી છે.