
મહાકુંભમાં શાહી સ્નાન સમયે થયેલી ભાગદોડની ઘટનામાં મોતને ભેટેલા 30 શ્રદ્ધાળુઓમાંથી એક મૂળ મહેસાણાના પરંતુ સુરતમાં સ્થાયી થયેલા મહેશ પટેલ પણ છે. પ્રયાગરાજ પોલીસે મોતને ભેટનારાઓમાં એક ગુજરાતી હોવાની કરેલી જાહેરાત બાદ આ ખુલાસો થયો હતો. પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગઈકાલે મધરાત્રે થયેલી ભાગદોડમાં 35થી 40 શ્રધ્ધાળુઓના મોત થયા હતા. મોતને ભેટેલા શ્રદ્ધાળુઓની આજે આખો દિવસ ઓળખ કરવામાં આવી હતી.
30ના મોત થયા
સાંજે 6.30 વાગ્યે મેળાના અધિકારી વિજય કિરણ આનંદ અને ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ એક પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું હતું કે, ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા. 60 લોકો ઘાયલ થયા છે. 25 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. પોલીસે કરેલી આ જાહેરાત બાદ મહેશભાઈ પટેલના મોતની વિગતો સામે આવી હતી.મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની મહેશભાઈ સોમાભાઈ પટેલ હાલમાં કામધંધા માટે પોતાના પુત્ર સાથે સુરતમાં રહેતા હતા અને સુરતથી પોતાના સાળા તેમજ મિત્રો સહિત ચાર વ્યક્તિઓ સાથે મહાકુંભમાં પ્રયાગરાજ ગયા હતા.
અંતિમ સંસ્કાર કડા થશે
મહેશભાઈના સાળા સાથે તેમની બહેનને પણ પરણવ્યા હતા એટલે કે સામ સાટુ કરેલું હતું. મહેશભાઈ પટેલના સંબંધી જાગૃતિબેન પટેલએ જણાવ્યું હતું કે, મારા માસા મહેશભાઈ પટેલ સુરતથી મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. અમના અવસાનથી અમે દુ:ખની લાગણી અનુભવી રહ્યા છીએ. તેમના અંતિમ સંસ્કાર કડા ખાતે તેમના વતનમાં કરવામાં આવશે.