
સુરતમાં દર વર્ષે ખાડીપૂરની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે લિંબાયત અને ઉધના વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓમાં પૂરનું જોખમ સર્જાતું હોય છે. જેને પગલે સુરત મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયા ખાડીઓનાં ડ્રેજિંગથી માંડીને સાફ-સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવતાં હોય છે. આ દરમિયાન આજે લિંબાયતમાં મીઠી ખાડી અને ભેદવાડ ખાડીની ડ્રેજિંગની કામગીરી દરમિયાન ડ્રેનેજ કમિટીનાં ચેરમેન સહિત લિંબાયત ઝોનનાં અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. જે દરમિયાન ડ્રેનેજ કમિટીનાં ચેરમેન કેયુર ચપટવાલા દ્વારા ખાડીઓનાં કિનારે દબાણ સહિતનાં દૂષણો દૂર કરવા માટે વહીવટી તંત્રને તાકિદ કરવામાં આવી હતી. જેને પગલે ખાડીપુરની સ્થિતિમાં સ્થળાંતરથી માંડીને બચાવ અને રાહતની કામગીરીમાં ખાડી કિનારેનું એન્ક્રોચમેન્ટ નડતર રૂપ ન બને.
ડ્રેજિંગની કામગીરી
હાલમાં લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડી અને ભેદવાડ ખાડીની સાફ સફાઈ સહિત ડ્રેજિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે ડ્રેનેજ કિમટીનાં ચેરમેન કેયુર ચપટવાલા સહિત લિંબાયત ઝોનનાં કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા સહિતનાં અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ચોમાસા દરમિયાન ખાડીનું વહેણ ન અટકે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ દરમિયાન કેયુર ચપટવાલા દ્વારા ખાડીપુરનાં જોખમ દરમિયાન ખાડી કિનારે ઉભા કરવામાં આવેલા દબાણો તાત્કાલિક દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે.
ખાડી કિનારે નિરીક્ષણ
પ્રી-મોન્સુન કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉધના અને લિંબાયતમાંથી પસાર થતી ભેદવાડ ખાડી, મીઠી ખાડી, ભાઠેના ખાડી અને સીમાડા ખાડીમાં પૂરનું જોખમ સર્જાતું હોય છે. જેને પગલે દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખાડીઓનાં ડ્રેજિંગની કામગીરી કરવામાં આવતી હોય છે. આ સિવાય આખા વર્ષ દરમિયાન ખાડીઓમાં કચરો અને ગંદકી એકઠી થતાં પાણીનું વહેણ અવરોધાતાં તંત્ર દ્વારા ખાડીઓની મોટાપાયે સફાઈ પણ હાથ ધરવામાં આવતી હોય છે.