
દેશભરમાં હાલ કોઈને પણ ફોન કરો તો સાયબર માફિયા વિરુદ્ધની જનજાગૃતિનો સ્પ્રેડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ વલસાડમાં સાયબર ઠગોએ એક નિવૃત્ત સરકારી કર્મચારી અને તેની પત્નીને ચાર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા હતાં. ઘરમાં ગોંધી રાખી 74.80 લાખની ઠગાઈ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 75 વર્ષીય નિવૃત્ત કર્મચારીને થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ CBI અધિકારી તરીકે આપી હતી.
મની લોન્ડરિંગના નામે ધમકાવ્યા
ગઠિયાએ વૃધ્ધ દંપતી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધાયો હોવાની વાત કરી તેમને ધમકાવ્યા હતા. કેસમાંથી છૂટકારો મેળવવા માટે તેમણે ડિજિટલ એરેસ્ટનું નાટક રચ્યું અને દંપતીને ચાર દિવસ સુધી ઘરમાં જ રહેવા મજબૂર કર્યા હતા. આ દરમિયાન વિવિધ ચાર્જ અને ફીના નામે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 74.80 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
દંપત્તી એકલું રહેતું હતું
વૃધ્ધ દંપતીની બે દીકરીઓ પરણીને સાસરે ગઈ છે અને તેઓ એકલા રહે છે. છેતરપિંડીનો અહેસાસ થતાં નિવૃત્ત કર્મચારીએ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સાયબર ક્રાઈમની વધતી જતી ગંભીરતા અને વૃધ્ધ નાગરિકોને નિશાન બનાવવાની વધતી પ્રવૃત્તિ તરફ ધ્યાન દોરે છે.