
રાજ્ય પોલીસ વડાના અસામાજિક અને ગુંડા તત્ત્વો વિરુદ્ધમાં 100 કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેથી સુરત પોલીસના અલગ અલગ વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક અને ગુંડા તત્ત્વોના ઘરમાં ઘુસીને પોલીસ કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તડીપારથી લઈને અવારનવાર ગુનાઓ કરનારના ઘરની તમામ વસ્તુઓ પણ તપાસવામાં આવી હતી.
ખટોદરામાં ટીમો ઉતરી
ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી લાઠી-હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. સરપ્રાઈઝ ચેકીંગમાં શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રીશિટર તથા તડીપાર સહિત પાસાના ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતાં. ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરવામાં આવ્યાં હતાં.
ભેસ્તાન આવાસમાં કોમ્બિંગ
ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ભગીરથ ગઢવીની અધ્યક્ષતામા ભેસ્તાન આવાસ વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓના ઘર તેમજ મોહલ્લામાં તપાસ કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃતિના આયોજન કરવામાં આવી રહ્યાં છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃતિઓમાં તે ફરી ન જોડાય તે માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.