
હ્રદયની તકલીફના કારણે અચાનક મોત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક 13 વર્ષના કિશોરનું તાવમાં સપડાયા બાદ મોત નીપજ્યું હતું. બેભાન હાલતમાં દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચતા મૃત જાહેર કરાયો હતો. જોકે પરિવાર મૃતદેહને મોપેડ પર લઈને જતો રહ્યો હતો. દરમિયાન આજે 18 કલાક બાદ મૃતદેહને સમજાવટ બાદ પરત સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરિવારે મૃતદેહ ઘરે લઈ જવાને લઈને કંઈ ખબર ન હોવા અને ભૂલ થઈ ગઈ હોવાની કબૂલાત કરી હતી.
મોપેડ પર મૃતદેહ લઈ ગયા
મૂળ બિહાર અને ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન ટાઉનશિપમાં 13 વર્ષીય આદિત્ય ગોપાલભાઈ ચૌધરી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને બે બહેન છે. આદિત્ય પરિવારનો એકનો એક દીકરો હતો. પિતા ગોપાલભાઈ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આદિત્ય ધોરણ સાતમાં નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આદિત્યને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હોવાથી નજીકમાં આવેલા દવાખાનેથી દવા લીધી હતી. ત્યારૂબાદ તબિયત વધુ લથડી હતી. ઝાડા-ઉલટી થવા લાગ્યા લગ્યા હતાં. સિવિલમાં મોત જાહેર કરાતાં પરિવાર મૃતદેહને મોપેડ પર લઈને જતો રહ્યો હતો.
જીવિત હોવાનું લાગ્યું હતુ- પિતા
પરિવાર દીકરાનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જ જતા રહ્યા હોવાની જાણ થતા આજે પાલિકા અને પોલીસના કર્મીઓ સમજાવવા માટે તેમના ઘર પહોંચ્યા હતા. ત્યારબાદ પરિવારના અગ્રણીઓ દ્વારા પરિવારને સમજાવવામાં આવ્યું હતું અને મૃતદેહને પરત સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા દીકરાનું મોત થઈ ગયું હોવાથી પોસ્ટમોર્ટમ ન કરાવવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ ભેસ્તાન પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મૃતક આદિત્યના પિતા ગોપાલભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે, મારા દીકરાની અચાનક તબિયત ખરાબ થતા સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા જ્યાં હાથ તપાસીને તેનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે તેનું શરીર ગરમ હોવાથી અમને એવું લાગ્યું હતું કે તે જીવિત છે જેથી તેને અન્ય હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં પણ તેને મૃત જાહેર કરાયો હતો.