
૩ સંતાન અને લગ્નના ૧૦ વર્ષ બાદ ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક દંપતિ વચ્ચે ખટરાગ ઉભો થતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ બારડોલી ૧૮૧ અભયમ ટીમની મધ્યસ્થીના કારણે પરિવારનો માળો વિખેરાતા બચ્યો હતો. મહિલાએ ૧૮૧ અભયમની મદદ માંગતા અભયમ ટીમે પીડિતાના પતિને કાયદાની ભાષામાં લગ્નજીવન ન તૂટે તે માટે કુનેહથી સમજાવ્યા હતા અને સુખદ સમાધાન કરવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગના ઈતિહાસની સૌથી મોટી મંદી! 17 લાખ રત્નકલાકારોના ભાવિ અધ્ધરતાલ
અનૈતિક સંબંધો હતા
ઓલપાડના એક ગામથી પીડિત મહિલા સુરેખા (નામ બદલ્યું છે)એ ૧૮૧ હેલ્પલાઇનમાં ફોન કરી કહ્યું કે, પતિના બીજી મહિલા સાથે અનૈતિક સંબંધો છે. જેના કારણે મને અને મારા સાસુને ખૂબ માનસિક ત્રાસ આપે છે. છેલ્લા ૩ દિવસથી બીજી મહિલાને પોતાના ઘરે રહેવા લઈ આવ્યા છે. દુઃખી મહિલાને મદદ કરવા ૧૮૧ ના કાઉન્સેલર ખુશ્બુ પટેલ, હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ચૌધરી તેમજ પાઇલોટ ધર્મેશ પટેલ તાત્કાલિક બારડોલીથી ઓલપાડના ગામે પહોંચ્યા હતા. જ્યાં સુરેખાના કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે, તેમના લગ્નને ૯ વર્ષ થયા છે અને સંતાનમાં ૩ બાળકો છે. મજૂરી કામ કરતા પતિને છેલ્લાં ૧ વર્ષથી તેમના ગામમાં રહેતી એક મહિલા સાથે અનૈતિક સંબંધો છે. જેની જાણ સુરેખાને થઈ ગઈ હતી. તેથી અવારનવાર ઝઘડાઓ થતા હતા.
પતિની પ્રેમિકાના માતાપિતાએ ધમકી આપી
સુરેખાએ કહ્યું કે, મજૂરીમાં કે ગુજરાન ચલાવવામાં પતિ ધ્યાન આપતો નથી. ઘરખર્ચ માટે પૈસા પણ આપતા નથી, જ્યારે પ્રેમિકાને પોતાની કમાણી આપી દે છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવી મુશ્કેલી પડે છે. ઘરની તેમજ બાળકોની નાની નાની જરૂરિયાત માટે સાસુ પાસેથી પૈસા માંગવા પડે છે. હું બાળકોને ઘરે સાસુ પાસે મૂકીને ખેતરોમાં મજૂરીકામ કરી જેમતેમ ગુજરાન ચલાવું છું. પતિ પ્રેમિકા સાથે ઘર છોડીને અવારનવાર જતા રહે છે અને દિવસો સુધી ઘરે આવતાં નથી. પતિને મારા પિયર પક્ષ તેમજ સાસરી પક્ષ દ્વારા ઘણા સમજાવવા છતાં વર્તનમાં ફરક પડ્યો ન હતો. મેં અગાઉ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી અને સમાધાન પણ થયું હતુ. છતાં પણ પતિના લક્ષણ સુધર્યા ન હતા. હું પ્રેમિકાના માતાપિતાને આ અંગે કહેવા ગઈ ત્યારે મારપીટ કરી ધમકીઓ આપી હતી. હવે પતિ છૂટાછેડા માટે દબાણ કરે છે અને આત્મહત્યા કરવાની ધમકી આપે છે.
સમાધાન કરાવ્યું
સુરેખાએ આખરે થાકી હારીને ૧૮૧ ની મદદ માંગી હતી. અભયમ ટીમે પતિ અને સાસુનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકના ભવિષ્યના મુદ્દાઓને નજર સમક્ષ રાખી પતિ અને બંને પરિવારના સભ્યોને સાથે રાખી લગ્નજીવન ન તૂટે તેવી કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શન આપીને રાજીખુશીથી સમાધાન કરાવ્યું હતું. આમ, અભયમ થકી એક પરિવાર તૂટતા બચ્યો હતો.