સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી શક્તિ મોબાઈલમાં રાત્રિના અઢી વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા સાથે આગ લાગતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. રાત્રે 1:30 વાગે આગ લાગી હતી, અને સ્થાનિક જનતાએ દુકાન માલિકને લગભગ 3 વાગ્યે ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. દુકાનના માલિકના જણાવ્યા મુજબ આગ એટલી વિકરાળ હતી કે દુકાનનું સંપૂર્ણ માલસામાન આગમાં ભસ્મીભૂત થઈ ગયું.આ આગની ઘટનામાં દુકાનમાં રાખેલી હિટાચી કંપનીની એટીએમ મશીન પણ બળીને ખાખ થઈ ગઈ હતી. એટીએમમાં અંદાજે 40,000થી 50,000 સુધીની રોકડ રકમ પણ બળી ગઈ હોવાનું માલિકે જણાવ્યું છે. સાથે જ મોબાઈલ ફોન્સ, એક્સેસરીઝ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ સહિત અંદાજે 7 થી 8 લાખનું માલસામાન સંપૂર્ણપણે નષ્ટ થયું હોવાનું અનુમાન છે. ઘટના અંગે ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.