સુરત શહેરના સચિન વિસ્તારમાં લૂંટ અને ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. જ્વેલર્સ વેપારી આશિષ રાજપરા પર લૂંટારુઓએ ગોળી ચલાવી હત્યા કરી હતી. આ ઘટનાએ સુરતના કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સચિન વિસ્તારની અવધૂત સોસાયટીમાંથી આશિષ રાજપરાની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને વેપારીને શોકભરી વિદાય આપી હતી. ઘટનાને લઈને વેપારી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સચિન પંથકમાં લોકોમાં રોષ જોવા મળ્યો છે અને સ્થાનિકોએ સુરક્ષા વ્યવસ્થાની બગડતી સ્થિતિ પર સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. હજુ સુધી આરોપીઓ પકડાયા નથી અને પોલીસે તપાસ શરૂ કરી છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ ઘટનાને ગંભીરતાથી લઇ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.