સુરતમાં અવિરત ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. અહીં આવેલી અક્ષરધામ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના નીચાણવાળા મકાનોમાં પાણી ઘરમાં સુધી ઘૂસી ગયું છે, જેના કારણે લોકો પોતાની ઘરવખરીને બચાવવા માટે દિવસભર સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. કેટલાક ઘરોમાં તો બેડરૂમ અને કિચન સુધીમાં પાણી પહોંચી ગયાનું લોકોએ જણાવ્યું છે. કેડ સમા પાણી ભરાઈ જતા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે અસહાયતા અનુભવાઈ છે. તંત્રની તરફથી હજુ સુધી કોઈ તાત્કાલિક મદદ આવી ન હોવાના કારણે સ્થાનિક નાગરિકોમાં રોષ વ્યાપી ગયો છે. લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે વારંવાર આવું થવા છતાં શહેરી તંત્ર પગલાં કેમ નહીં ભરે?