સુરતના દરેક શિવ મંદિરમાં મહાદેવના ભક્તો દ્વારા સુંદર મહા શિવરાત્રીની ઉજવણી થઇ રહી છે. દર વર્ષે શિવ મંદિરમાં ઘીના કમળ તો મુકવામાં આવે છે. પરંતુ આ વર્ષે કેટલાક મંદિરમાં ઘીના કમળ સાથે ઘીથી બનાવેલું શિવજીનું ચિત્ર પણ મુકવામાં આવ્યુ છે. જે ભક્તોમા આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે.
શુદ્ધ ઘીમાં બની પેન્ટિંગ
શિવરાત્રીમાં દરેક મંદિરોમાં ઘીના કમળ ચઢાવવામાં આવે છે. ત્યારે સુરતના એક મંદિરમાં આ ઘીના કમળ સાથે ઘીથી શિવજીની સુંદર તસવીરો બનાવવામાં આવી છે. ઘીને ઓગાળીને તેને તાવડીમાં રેડીને ઠંડુ થયા બાદ તેના ઉપર પેન્ટિંગ કરવામાં આવે છે. પેન્ટિંગ કરતી વખતે માત્ર ઓઈલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આના પર પેન્ટિંગ માત્ર રાત્રીના સમયે જ કરવામાં આવે છે. ઘી ઉપર તેને પેન્ટિંગ કરતા ઘણી કાળજી રાખવામાં આવે છે. શુદ્ધ ઘીમાં બનેલી આ પેન્ટિંગ ઘણી મનમોહક લાગે છે. જામ ખંભાળિયાથી લાવેલા ઘી અને ઓઈલ કલર સિવાય બીજા કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી.
પેન્ટિંગમાં ઘીનો ઉપયોગ
સાંભળતાની સાથે જ લોકોને આશ્ચર્ય થાય છે કે, ઘીની પેન્ટિંગ કે ચિત્ર એ શું કામનું ? પણ આ માત્ર એક દેખાવ નથી. એની પાછળ પણ એક ઉમદા હેતુ રહેલો છે. આ પેન્ટિંગ મંદિરમાં 5થી 10 દિવસ રાખ્યા બાદ આ પેન્ટિંગમાં વપરાયેલા ઘીને ફરી દીવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી શિવજીની ભક્તિ મહાશિવરાત્રી બાદ પણ અવિરતપણે ચાલુ રહે છે. ઘણા લાંબા સમય સુધી આ ઘીનો ઉપયોગ કરી શકાય છે.
ઘીના કમળ ચઢાવાય છે
સામાન્ય રીતે દેવોમાં દેવ મહાદેવ અને બ્રહ્મા, વિષ્ણુ સહિત ત્રિદેવને હિન્દૂ પરમ્પરા સંસ્કૃતિમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. માટે ભોળાનાથ વિષ્ણુની અને વિષ્ણુ ભગવાન મહાદેવની પૂજા કરે છે. તેમને પોતાના પ્રિય કમળ ચઢાવે છે. જેથી ભક્તો પણ તેને અનુસરે છે. સાથે જ એવો પણ મત છે કે, મહાશિવરાત્રી એટલે શિયાળાની મોસમનો અંતિમ દિવસ હોય બાદમાં ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે. મહાશિવરાત્રી બાદના દિવસો ગરમ રહેતા હોવાથી ભોળાનાથને ઠંડક થાય તે હેતુથી ઠંડી વસ્તુઓ ચઢાવાય છે. જેમ કે ઘી, શેરડીનો રસ, દૂધ, દહીં, તરોફા, ભાંગ વિગેરેનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે. આ સાથે જ મોટાભાગે ઠારેલા ઘીના કમળ પણ ચઢાવાય છે.