
સુરત શહેરમાં રવિવારની આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તાપી નદીની સપાટીમાં પણ વધારો થયો છે કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.શહેરમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી શહેરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે. રાંદેર, અડાજણ, કોટ વિસ્તારમા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તાપીમાં પણ પાણીની ખૂબ આવક થઈ છે. મધરાતે 3 કલાકે કોઝવેની સપાટી 6 મીટર પર પહોંચી હતી. જેને પગલે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો.
રાંદેરમાં સૌથી વધુ વરસાદ
આ અગાઉ રવિવારે મોડી રાત્રે 10થી 12ના બે કલાકમાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં રાંદેરમાં સૌથી વધુ 2 ઈંચ તથા શહેરમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. દિવસભર વરસાદી માહોલ વચ્ચે સાંજ સુધી સરેરાશ 0.6 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં પોણા 3 ઇંચ, ઓલપાડ, માંગરોળમાં 1 ઇંચથી વધુ અને કામરેજમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું
હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાદરા નગર હવેલીમાં આગામી 27 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રવિવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 31.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજે 91 ટકા નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 12 કિ.મીની ઝડપે પવનો ફૂંકાયા હતા.