
સુરતમાં એક વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીંટી સહિત 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત ત્રણ ઈસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણ આરોપીમાં મહિલા મનીષા, નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઈસમનો સમાવેશ થાય છે.
સ્માઈલ આપીને મિત્રતા કરી
વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી હનીટ્રેપની ઘટનામાં એક વૃધ્ધ શિકાર બન્યા હતા. વરાછા વિસ્તારમાં 65 વર્ષના વૃધ્ધ 30 ડિસેમ્બરના રોજ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે મનીષાએ વૃધ્ધને સ્માઈલ આપી હતી અને ત્યારબાદ વૃધ્ધનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાયા બાદ મહિલાએ પોતાની પ્રેમ જાળમાં આ વૃધ્ધને ફસાવ્યા હતા અને વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃધ્ધને બોલાવ્યા હતા અને ત્યારબાદ મકાનના ત્રીજા મળે લઈ જઈ વૃધ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું.
કપડા ઉતારવાનો વીડિયો બનાવ્યો
વૃધ્ધ દ્વારા જ્યારે કપડા ઉતારવામાં આવ્યા ત્યારે તરત જ રૂમમાં બે ઈસમો આવી પહોંચ્યા અને મોબાઇલમાં વિડીયો ઉતારી લીધો હતો અને વૃધ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા હતા. આ ઉપરાંત વૃધ્ધ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. ધમકીથી ડરી જઈને વૃધ્ધ દ્વારા સોનાની બે વીંટી અને રોકડા રૂપિયા સહિત 1.15 લાખ રૂપિયા પડાવી લીધા હતા.આ સમગ્ર ઘટનામાં વૃધ્ધ દ્વારા પોતાના મિત્રને આ બાબતે વાત કરતા મિત્ર એ વૃધ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃધ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને નિલેશ ગૌસ્વામી, ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ કરી હતી.