
સુરતના રિંગરોડ ખાતે આવેલી શિવશકિત માર્કેટની આગમાં ચોથો અને પાંચમો માળ વધુ અસરગ્રસ્ત થયો છે. જે કદાચ ઉતારી નાંખવો પડે તેવો ભયજનક થઇ ગયો છે. ત્રીજા માળે ફ્રન્ટ બાજુની દુકાનો સલામત છે પરંતુ મંદિર બાજુની દુકાનોમાં મોટુ નુકશાન થયું છે, એવું ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.આખી રાત ચાલેલી કુલિંગની કામગીરી દરમિયાન ફાયર વિભાગના વડા ધર્મેશ મિસ્ત્રી અને ચીફ ફાયર ઓફીસર વસંત પરીખ સહિતના અધિકારીઓ ખડે પગે રહ્યા હતા. એટલું જ નહીં કુલિંગ પુરૂં થયા બાદ સેફીટના સાધનો સાથે માર્કેટનો ખૂણે ખૂણો તપાસીને ક્યાંય આગ ફરીથી ભભુકી ઉઠે તેવી સ્થિતિ નથી ને તેનું ચેકીંગ કર્યું હતું.
સળિયા બહાર આવ્યા
અધિકારીઓએ ચેકીંગ દરમિયાન જોયું હતું કે, ચોથા અને પાંચમાં માળે તો કોલમ અને બીમના પ્લાસ્ટર તો ઉખડી જ ગયા છે, પરંતુ અંદરનું લોખંડ પણ પીગળીને બેન્ડ થઇ ગયું છે. અંદરના માળીયા લોખંડના હોવા છતાં રીસતર પીગળી ગયા હોય તેવા દ્રશ્યો છે. સ્થિતિ જોતા એવું લાગે છે કે ચોથો અને પાંચમો માળ તો એકદમ ભયજનક છે. દુકાનોમાં સગળેલા સિન્થેટીક કાપડે લાવા બનીને બહાર પ્રવાહ પ્રસાર્યો હોવાથી આગ કાબૂમાં લેવાની તકલીફ પડી હતી.
માર્કેટમાં પાછલા દરવાજે ઘૂસાડતા ફાયરનો ડ્રાઈવર ઝડપાયો
સુરત ફાયર બ્રિગ્રેડ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મનોજ ચાઉં નામના કર્મચારીએ શિવ શક્તિ માર્કેટમાં પાછળના ગેટ ઉપર પોતાની ગાડી પર ફરજ ઉપર હાજર હતો. ત્યારે એક વેપારીને માર્કેટની અંદર ગેરકાયદે રીતે લઈ જવાની કોશિશ કરી હતી. પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા મનોજ ચાંઉએ વેપારી ફાયર બ્રિગેડનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી હતી.
આગ ઓલવવામાં ફાયર બ્રિગેડના 30 લાખથી વધુના સાધનો પણ ફૂંકાઈ ગયા
માર્કેટના વેપારીઓની સાથે સાથે સુરત મનપાના ફાયર બ્રિગેડની ઘણી સાધન સામગ્રી પણ આ આગમાં નાશ પામી હોવાથી લાખો રૂપિયાનું નુકશાન થયું છે.ફાયર વિભાગના કર્મીઓ સતત ત્રણ દિવસ સુધી આગને કાબુમાં લેવા ઝઝૂમ્યા હતા. જેમાં પાણીની મોટરો અને પાઇપ બળી જેવા ઉપરાંત આગ ઓલવવાના ઘણાં ઉપરકરણોને નુકસાન થયું છે. અઢી લાખ સુધીના ઉપરકણોનો તેમાં સમાવેશ થાય છે. કુલ નુકશાન 30 લાખની આસપાસ હોવાની આશંકા છે.