સુરતના ઓલપાડ નજીક આવેલા અટોદરામાં DGVCLના વિજ ધાંધિયાથી લોકો પરેશાન થઈ ઉઠ્યાં છે. ઈલેક્ટ્રિસિટી ડૂલ થવાનો મુદ્દો સામાન્ય બની ગયો હોય તેમ સતત પાવર કટ થઈ રહ્યો છે. અટોદરા ચોકડીની આસપાસ મોટી સંખ્યામાં રહેણાંક સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીમાં પાવર કટ થઈ જતાં લોકો પરેશાન થઈ ઉઠ્યાં છે. વરસાદી માહોલ જામે કે તુરંત પાવર કટ થઈ જાય છે. પવન અને વરસાદની સાથે પાવર કટ થઈ જાય છે, જેથી લોકો આ મુદ્દે અવારનવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી.
જીઈબીની ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી
આગેવાન દર્શન નાયક દ્વારા આકરો રોષ વ્યક્ત કરાયો હતો.દર્શન નાયકે કહ્યું કે, અટોદરા આસપાસ ઘણી ઈન્ડસ્ટ્રીઝ છે તેમને પાવર કટથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ખેડૂતોને પણ પાવર કટ થઈ જતાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યોતિગ્રામમાં 24 કલાક વિજળી આપવાની જગ્યાએ હેરાનગતિ મળી રહી છે. સ્માર્ટ મીટર આપવાની વાતો કરનારી સરકાર લોકોને હેરાન કરી રહી છે. જો આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો જીઈબીની ઓફિસનો ઘેરાવ પણ કરવામાં આવશે. અધિકારીઓ કોઈ ધ્યાન આપતાં નથી. કોઈ કાયમી ઉકેલ માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી.
રહેણાંક વિસ્તારમાં ઓરમાયું વર્તન
વસંતભાઈ ભીખાભાઈ રાઠોડે કહ્યું કે, હું અટોદરાની શાંતવન સોસાયટીમાં રહું છું. અહિં પાવર અને પાણીનો પ્રશ્ન છે. અટોદરા ચોકડીમાં રેસિડન્ટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન સતત પાવર કટ થાય છે. કલાકો સુધી પાવર કટ રહેવા છતાં કોઈ ધ્યાન અપાતું નથી. અહિંના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ છે, જેઓ મંત્રી પણ ગુજરાત સરકારમાં છે. તેમ છતાં તેમના વિસ્તારમાં લોકો પરેશાન રહે છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વાંધો નથી આવતો પરંતુ રહેણાંક વિસ્તાર તરફ ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે.