
સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક ચોંકાવનારો ઘટના પ્રસંગ પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્થાનિક પત્રકાર પ્રકાશ રાઠોડ વિરુદ્ધ રૂપિયા ૨૨ લાખની ઉઘરાણીનો ગુનો નોંધાયો છે. ઉધના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પ્રકાશ રાઠોડની ધરપકડ કરી છે અને તેના ઘરમાં તથા તેના ભાઈના ઘરમાં દરોડા પાડી રૂ. ૧૨ લાખ રોકડા રકમ જપ્ત કરી છે.
RTIના નામે વેપારી પાસેથી રકમ પડાવી
મળતી માહિતી મુજબ, પ્રકાશ રાઠોડે ઉધના વિસ્તારમાં આવેલી લક્ષ્મી ઇન્ડસ્ટ્રીના એક વેપારીને તેમનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી ધાકધમકી આપી હતી. ત્યાર બાદ તેણે RTI દાખલ કરવાની ધમકી આપી, જેના દબાણમાં આવી વેપારીએ તેને તબક્કાવાર રૂપિયા ૨૨ લાખ આપ્યા હતા. આ અંગે વેપારીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો.
પવિત્ર દર્પણ નામના સાપ્તાહિકના માલિક હોવાનું ખુલ્યું
આરોપી પ્રકાશ રાઠોડ પોતે "પવિત્ર દર્પણ" નામનું સાપ્તાહિક પ્રકાશિત કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તેણે પોતાની પત્રકારતાની ઓળખનો ઉપયોગ કરીને વેપારીઓ પર દબાવ બનાવતો હતો અને કથિત રીતે ધંધા કરતા લોકોને ગેરકાયદેસર હોવાની નોંધ આપીને પૈસા ઉઘરાવતો હતો.ઉધના પોલીસે રાઠોડની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, હાલ રૂ. ૧૨ લાખ રકમ જપ્ત કરી લેવામાં આવી છે, પરંતુ બાકીની રૂપિયા ૧૦ લાખ ક્યાં ગયા તે અંગે તપાસ ચાલુ છે. શક્યતા છે કે, આમાં અન્ય લોકોનો પણ સમાવેશ હોય શકે છે. પોલીસે હજુ વધુ વ્યાપક તપાસ શરૂ કરી છે.