
સુરત શહેર પોલીસના સોશિયલ મીડિયાના મોનિટરિંગ તંત્રની "બાજ નજર" ફરી એકવાર સાબિત થઈ છે. હાલમાં જ પેહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સોશિયલ મીડિયા પર આપત્તિજનક વિડીયો પોસ્ટ કરનાર વ્યક્તિ સામે અમરોલી પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. દિપેનસિંહ પરમાર, જે પોતાને ગૌરક્ષક અને મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખાવે છે, તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે પાકિસ્તાનના સંદર્ભમાં વિવાદાસ્પદ ભાષા ઉપયોગ કરી હતી.
શંકાસ્પદ ભાષામાં વીડિયો બનાવ્યો
ભારત વિરુદ્ધ ટેકો આપી રહ્યો હોય તેવી શંકાસ્પદ ભાષા બોલી હતી. વિડીયોમાં તેણે એવો આક્ષેપ પણ કર્યો કે "આતંકવાદના ગુરુ ભારતમાં જ રહે છે," જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા અંગે લોકોમાં ઉશ્કેરાટ ફેલાવાની દહેશત ઊભી થઈ હતી. વિડીયો વાયરલ થતાં જ સુરત શહેર પોલીસના સોશિયલ મોનિટરિંગ સેલે તરત તેનો સંદર્ભ મેળવી અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ વિલંબ કર્યા વગર તપાસ હાથ ધરી અને દિપેનસિંહ પરમાર સામે ભારત સરકારની શાંતિ અને સુરક્ષાને ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.
પોલીસની નજર
સુરત પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, "આ પ્રકારના વિડીયો દેશના સામાજિક તાણાવાણાને નુકસાન પહોંચાડી શકે છે. અમારી ટીમ સતત સોશિયલ મીડિયામાં ચિંતાજનક પ્રવૃત્તિઓ પર નજર રાખે છે અને આવા તત્ત્વો સામે કડક પગલાં લેવામાં આવશે."તાજેતરમાં દેશભરમાં જે રીતે સોશિયલ મીડિયા દ્રારા ભ્રામક માહિતી ફેલાવી દેશવિરોધી તત્વોને પોષણ આપવામાં આવી રહ્યું છે, તે પૃષ્ઠભૂમિમાં સુરત પોલીસની આ કાર્યવાહી નોંધપાત્ર ગણાઈ રહી છે.