Home / Gujarat / Surat : Monsoon arrives in South Gujarat, 3.5 inches of rain in Umarpada and 3 inches in Ahwa

દ.ગુજરાતમાં ચોમાસાનું આગમન, ઉમરપાડામાં 3.5 અને આહવામાં 3 ઈંચ વરસાદ, Suratમાં  દોડતી કાર પર ઝાડ પડ્યું

દ.ગુજરાતમાં ચોમાસાનું આગમન, ઉમરપાડામાં 3.5 અને આહવામાં 3 ઈંચ વરસાદ, Suratમાં  દોડતી કાર પર ઝાડ પડ્યું

દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો સહિતના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ગયું છે. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા-ભડાકા સાથે 3.5 ઈંચ સુધીનો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં 4 કલાકમાં જ 3.50 ઈંચ અને ડાંગના આહવામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતમાં દોડતી કાર પર ઝાડ પડ્યું હતું. જેમાં કારને નુકસાન પહોંચ્યું હતું. જો કે, ચાલક સહિતનાનો બચાવ થયો હતો. ત્યારબાદ ઝાડને તાત્કાલિક હટાવી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગાજવીજ સાથે વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત

હવામાન વિભાગ દ્વારા 14મી અને 15મી જૂનથી વરસાદની પધરામણી થવાની આગાહી કરાઈ હતી. આ આગાહી વચ્ચે રવિવારે (15મી જૂન) બપોરે સુરત શહેર અને જિલ્લામાં વાદળોના ગડગડાટ અને વીજળીના તેજ લિસોટા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. બપોરે 2થી સાંજના 6 વાગ્યા સુધીના 4 કલાકમાં ઉમરપાડામાં 3.50 ઈંચ, કામરેજમાં 1.75 ઈંચ, માંગરોળમાં 1.50 ઈંચ અને સુરત શહેરમાં 1 ઈંચ વરસાદ સહિત તમામ તાલુકામાં મેઘરાજા ઓછા-વધતા પ્રમાણમાં વરસ્યા હતા.વરસાદના કારણે છેલ્લા ઘણાં દિવસોથી અસહ્ય ઉકળાટ-બફારાથી ત્રાસી ગયેલા લોકો વાતાવરણમાં ઠંડક પ્રસરતા ખુશ થઈ ઊઠ્યા હતા. ડાંગ જિલ્લામાં શનિવારે (14મી જૂન) રાત્રિના અને રવિવારે (15મી જૂન) બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા પાણીની રેલમછેલ થઈ હતી. આહવામાં 3 ઈંચ, સુબીરમાં 2 ઈંચ, સાપુતારામાં 1.8 ઈંચ અને વઘઈમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. 

ચોમાસું શરૂ થતાં ખેડૂતોને નુકસાન!

નવસારી જિલ્લામાં છેલ્લા 22 કલાકમાં ખેરગામમાં 1.2 ઈંચ, ગણદેવી, ચીખલી  0.5 ઇંચ અને જલાલપોરમાં માત્ર 8 મિમી વરસાદ નોંધાયો હતો. તાજેતરમાં કમોસમી વરસાદ બાદ પાછળ ઠેલાયેલી ઉનાળું ડાંગરની કાપણી બાદ હવે ચોમાસું શરૂ થતાં ઉનાળુ ડાંગર અને પુરેટિયાને નુકસાન થયું છે. વલસાડ જિલ્લામાં રવિવારે (15મી જૂન) સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 10 કલાકમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં ઉમરગામમાં બપોરે 12થી 4 વાગ્યા સુધી માત્ર ચાર કલાકમાં 2.5 ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી પાણી થઇ ગયું હતું. તાપી જિલ્લામાં શનિવારે (14મી જૂન) સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સોનગઢમાં રાત્રે 12થી 2 વાગ્યાના 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

17મી જૂનની આગાહી

17મી જૂને ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

18મી અને 19મી જૂનની આગાહી

રાજ્યમાં 18મી જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને 19 જૂને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે.

Related News

Icon