
સુરત શહેરના કપોદ્રા વિસ્તારમાં પાણી પીધા બાદ 100થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 100થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં તેઓ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.
દવા ફિલ્ટરમાં ભેળવાયાની આશંકા
મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા (સેલ્ફોસ)ના ટીકડા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાણી ફિલ્ટરમાં ભૂલ થયાની શંકા
કાપોદ્રા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ પાણીમાં સવારના સમયે ફિલ્ટરની સફાઈ કરવામાં આવી હતી. જે દરમિયાન પાણીની સાથે ભૂલમાં સેલફોસ નામની દવા ભળી ગઈ હતી. ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી છે. જેથી પાણી પીધા બાદ અમૂકને અસર થઈ હતી. જેથી પાણી જેમણે જેમણે પીધું હતું. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ફોરેન્સિકની ટીમ બોલાવાઈ
ડીસીપી આલોક કુમારે કહ્યું કે, કાપોદ્રામાં આવેલા મિલેનિયમ કોમ્પલેક્સમાં સવારે એક ઘટના બની હતી. પાણીની ટાંકીમાં કોઇ અસમાજિક તત્વએ સેલ્ફોસની દવાની પડીકી અંદર નાખી દીધી હતી. આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી. ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી. આ મામલે તપાસ કરવા અમે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ.
સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોએ પીડિતોના ખબર-અંતર પૂછ્યા
સુરત શહેરમાં હીરાના કારખાનામા પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા ભેળવી દેવાની ઘટના બની હતી. જેથી 120 જેટલા રત્નકલાકારોને હોસ્પિટલોમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ભગવાનની કૃપાથી તમામ રત્નકલાકારો સ્વસ્થ છે, વધારો કોઇ પ્રોબ્લેમ નથી આવ્યો.
પરંતુ આ ઘટનામાં પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરવામા આવે અને આવુ કૃત્ય કરી ૧૦૦થી વધુ લોકોનાં જીવ સાથે રમવાની કોશિશ કરનાર પર કાયદાકીય કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે.
આમ આદમી સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈનાવડિયા, વિપક્ષ નેતા પાયલ સાકરિયા, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, મહામંત્રી તુલસીભાઇ લાલૈયા તેમજ કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ હોસ્પિટલમાં એડમિટ રત્નકલાકારોની મુલાકાત કરી તેમના ખબર અંતર જાણ્યાૉ હતા.