
સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને ઝડપીને હત્યાનો ગુનો નોંધ્યો છે. મરનાર રાજેન્દ્ર બંડુ ધરમ ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી યુવક વિશાલ ભણદેની માતા સાથે પ્રેમ સંબંધમાં હતા. યુવકના પિતાનું અવસાન થતાં રાજેન્દ્ર તેમના ઘરના અવારનવાર તેમના ઘરે જતા હતા. આ વાત સંતાન માટે અસહ્ય બની હતી.
બોલાચાલી બની હત્યાનું કારણ
રાજેન્દ્ર ઘરમાં આવ્યા અને કીધું કે “મારો મોબાઇલ કોણે લીધો?”, જેને લઈને ઘરમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ઝઘડો વધી ગયો અને વિશાલની માતાએ રાજેન્દ્રને ઘરમાંથી નીકળી જવા કહી દીધુ હતુ. રાજેન્દ્ર ત્યાંથી રિસાઈને નીકળી ગયો હતો પરંતુ, પુત્ર વિશાલના મનમાં આ બાબતે ગુસ્સો ઉકળતો રહ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 23 વર્ષનો વિશાલ પ્રહલાદ ભણદે ગુસ્સામાં આવી ઘરેથી ચપ્પુ લઇને નીકળી પડ્યો હતો.
આરોપી ઝડપાયો
હત્યા બાદ ગોડાદરા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ આરોપી વિશાલ ભણદેને પકડી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં વિશાલે પોતાનું ગુનો કબૂલ્યો હતો અને કહ્યું કે, માતાના પ્રેમી સાથે ચાલતા સંબંધો અને તાજેતરનો ઘરના વાતચીતનો ઝઘડો તેના ગુસ્સાનું કારણ બન્યા હતા. મરનારની માતા શકુંતલા દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે વિશાલ વિરુદ્ધ IPC કલમ 302 (હત્યા) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ હવે હત્યામાં વપરાયેલ ચપ્પુ, બનાવ પહેલા-પછીના સીસીટીવી ફૂટેજ અને મરનાર તથા આરોપીની કોલ રેકોર્ડની તપાસ કરી રહી છે. સાથે સાથે પરિવારના અન્ય સભ્યોના નિવેદન પણ લેવામાં આવી રહ્યાં છે. પોલીસે જણાવ્યું કે કેસ સંબંધિત તમામ પુરાવા જમા કરીને કાયદેસર કાર્યવાહી માટે આગળ વધશે.