
સુરતના ઉધના રેલવે સ્ટેશનની બહાર અંધારું અને બિસમાર સ્ટ્રીટ લાઈટ્સની સમસ્યાએ પ્રવાસીઓને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે. આ સ્થિતિ માટે સુરત મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર હોવાનું જણાય છે. સતત ફરિયાદો અને પરિસ્થિતિ ન દેખાવાથી કંટાળી અંતે રેલવે તંત્ર પોતે લાઈટ્સ લગાવવા મજબૂર બન્યું છે. ઉધના રેલવે સ્ટેશનની બહાર અનેક સ્ટ્રીટ લાઈટ બિસમાર અને બંધ હાલતમાં હોવાથી લોકો પરેશાન થયા છે.
ટ્રેન શિફ્ટ કરાઈ
સુરત શહેરથી અમુક મહત્ત્વની ટ્રેનો ઉધના સ્ટેશન તરફ શિફ્ટ કરી દેવાઈ છે, જેમાં બપોર પછીની ટ્રેનોનો ભાગ વધુ છે. પરિણામે મુસાફરોને રાત્રિ દરમિયાન સ્ટેશનની બહાર અંધારામાં જ અવરજવર કરવી પડે છે. જો કે, રેલવે તંત્રએ તેમના કાર્યક્ષેત્રમાં લાઈટ્સ લગાવી છે, પરંતુ સ્ટેશનની બહાર મનપાની જવાબદારી હેઠળ આવેલી સ્ટ્રીટ લાઈટ્સ બિસમાર હાલતમાં છે.સુરત મહાનગરપાલિકાની કામગીરીથી કંટાળીને છેલ્લે પશ્ચિમ રેલવે અંદરની બાજુએ લાઈટિંગ કરી દીધી છે. તેમ છતાં હજી સુધી સ્ટેશનની બહાર મેઈન રોડ પર અંધારું જોવા મળી રહ્યું છે. જેથી સુરત મહાનગરપાલિકા ઊંઘ ઉડાડી કામગીરી કરે એ ખૂબ જરૂરી છે.
સ્થાનિક મુસાફરો અને વેપારીઓમાં રોષ
સ્થાનિક મુસાફરો અને સ્ટેશનની આસપાસના વેપારીઓએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું કે, અંધારું હોવાથી ભય અને અસુવિધા બંને વધ્યા છે. સુરત મહાનગરપાલિકાને અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ્સ સંપૂર્ણપણે બંધ છે, જ્યારે અમુક જગ્યાએ લાઇટ્સનું અજવાળું ઓછું જોવા મળે છે.