થોડા દિવસો અગાઉ ગોંડલમાં ભારે રાજકીય માહોલ ગરમાયો હતો. સુરતના પાટીદાર યુવા અગ્રણી અને ગણેશ ગોંડલ વચ્ચે તુંતું..મે મે બાદ ત્યાં મુલાકાતે ગયેલા અલ્પેશ કથિરીયા સહિતનાનો વિરોધ કરાયો હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સમાજ દ્વારા અલ્પેશ કથીરિયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમના પ્રવચનમાં તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે તેઓ હવે પૂર્વ તરફના રાજકીય પ્રહારો અને સમાજમાં ચાલી રહેલા આંતરિક વિવાદોને પડકારરૂપ સ્વીકારી મજબૂત રણનીતિ સાથે આગળ વધશે.
હવે તૈયારી સાથે જઈશું
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, "સૌરાષ્ટ્રમાં કહેવત છે કે, માની ગાળ કોઈ ન ખાય, ગોળી ખાય લે. હવે એ સમય ગયો કે કોઈપણ આવી રીતે બોલી જાય અને જવાબ ન મળે. હવે અમે એ તૈયારીમાં છીએ કે ગાડી નુક્શાન થવાનું તો દૂરની વાત રહી, કોઇ કાર્યકર્તાના કોલર પકડવાની પણ કોશિશ નહિ થઈ શકે."આ પ્રસંગે અલ્પેશ કથીરિયાએ વધુ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "ગોંડલમાં બે નંબરનું શું શું ચાલે છે, એ બધું પુરાવા સાથે જાહેર કરીશું." આ નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ માત્ર રાજકીય પડકારનો નહિ, પરંતુ ગેરકાયદે પ્રવૃત્તિઓના ખુલાસા કરવાની પણ તૈયારીમાં છે.
ગણેશ જાડેજા વિરૂદ્ધ પ્રતિક્રિયા
ગોંડલના ગણેશ જાડેજા દ્વારા અલ્પેશ કથીરિયાને ફેંકવામાં આવેલા પડકારનો જવાબ પણ આ કાર્યક્રમ દરમિયાન મળ્યો. અલ્પેશભાઈએ કહી દીધું કે, “ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું.” આ નિવેદનથી તેમના આત્મવિશ્વાસ અને આગલી વ્યવસ્થિત યોજના દર્શાઈ રહી છે. જાહેર મંચ પરથી કથીરિયાએ સમાજના યુવાનો અને કાર્યકર્તાઓને સંદેશ આપતાં જણાવ્યું હતું કે હવે સમય છે એકજુટ થવાનો. વિભાજન કે આંતરિક વિવાદોનો સમય પાછો રહ્યો. ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સત્ય અને સમાજહિત માટે કાર્ય કરવાની તક આવી છે અને તે માટે તમામનો સહયોગ જરૂરી છે.