
સુરત શહેરમાં બાળક ગટરમાં પડ્યાની ઘટના બાદ પણ તંત્ર લાપરવાહ જોવા મળી રહ્યું છે. સુરત જિલ્લાના બારડોલીમાં પાલિકાની બેદરકારી સામે આવી છે. જેમાં બારડોલી નગર પાલિકા સત્તાધીશો તેમજ અધિકારીઓની બેદરકારી છતી કરતી ઘટના સામે આવી છે. બારડોલી નગરના વામદોત પેટ્રોલ પમ્પ પાસે આવેલ પ્રાથમિક શાળાની સામે જ ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળ્યું હતું. જેની સામે જ નાના ભુલકાંઓની શાળા છે. આ નાના ભુલકાંઓ માટે આ એક જ રસ્તો છે જ્યાંથી તેમણે શાળાએ જવું પડે છે. વહીવટી તંત્ર તેમજ નગર સેવકો કોઈ દુર્ઘટનાઓ બને એની રાહ જોઈ રહ્યા છે એ પ્રશ્ન સતત ચર્ચાઈ રહ્યો છે.
સુરતમાં ખુલ્લી ગટરોને કારણે બાળકોના જીવ જવાનો ઈતિહાસ જુનો છે
સુરત શહેરમાં ખુલ્લી અને અસુરક્ષિત ગટરો મોતના કૂવામાં ફેરવાઈ છે. છેલ્લા ચાર મહિનામાં જ ત્રણ માસૂમ બાળકોએ આ ખુલ્લી ગટરોના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. થોડા મહિના પહેલા 4 વર્ષની ભાગ્યશ્રી ગટરની ડ્રેનેજની કામગીરીનો ભોગ બની હતી. સુરતના નિર્દોષ બાળકો માટે આ ગટરો જીવલેણ સાબિત થઈ રહી છે, પણ જવાબદારો હજુ નિષ્ક્રિય છે.
આ પણ વાંચો : સુરતમાં ખુલી ગટર સામે તંત્રની બંધ આંખો, કેદારના મોતને લઈને પાલિકાના 4 અધિકારીઓને નોટિસ
ડિંડોલી વિસ્તારમાં ચેતનનગરમાં બે મહિના પહેલાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું આ કામ દરમિયાન વજનદાર રિંગને રોડ પર મૂકી દેવાયા હતા. નજીકમાં રમતી પાંચ વર્ષીય ભાગ્યશ્રી રમતા-રમતા આ વજનદાર રિંગ નીચે આવી ગઈ અને તેનું મોત નિપજ્યું હતું. પીડિત પરિવાર આજે પણ ન્યાયની અપેક્ષામાં છે, પણ તંત્રની બેદરકારી ચાલુ જ છે.
27 નવેમ્બરના રોજ ચાર વર્ષની ભાગ્યશ્રીના મોત મામલે પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી કોઈ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ નથી. 50થી વધુ વખત પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છતાં અત્યાર સુધી જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ નથી.