
Surat News : સુરતના કડોદરા વિસ્તાર નજીક હરિપુરામાં થોડા દિવસ પહેલા એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાની આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, સાથે હત્યારાની ધરપકડ કરી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે હત્યારાએ અંધશ્રદ્ધાના કારણે મૃતક યુવકની હત્યા કરી હતી.
મૃતક યુવકના મિત્રએ જ કરી હતી હત્યા
સુરતના કડોદરા વિસ્તાર નજીક હરિપુરામાં વિધાતા ઈન્ડસ્ટ્રીઝ નજીક હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ મૃતક યુવકની ઓળખ છોટુ ઉર્ફે કમલ પ્રજાપતિ તરીકે થઇ હતી. પોલીસે કમલ પ્રજાપતિના હત્યારાને ઝડપી પાડવા ઊંડી તપાસ હાથ ધરી હતી, જેમાં કમલનો હત્યારો કડોદરાના ક્રિષ્નનગર નજીક રહેતો તેનો જ મિત્ર નરેન્દ્ર ઉર્ફે ભુરિયો નીકળ્યો હતો.
અંધશ્રદ્ધાના કારણે યુવકની હત્યા
ઘટનાના દિવસે કમલ અને નરેન્દ્ર બંને સાથે બેસીને દારૂ પી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. નરેન્દ્રને કમલ ઉપર પોતાના ભાઈને જાદુ ટોણા કરી મારી નાખ્યાનો વહેમ હતો. આથી તેણે નશામાં કમલ પ્રજાપતિની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા નરેન્દ્રની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.