
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આંતકી હુમલાના વિરોધમાં સુરત શહેરમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. અનંત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા 'હિન્દુ જાગેગા, દેશ બચેગા'ના સૂત્ર સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી દરમિયાન વિવિધ સમુદાયના અગ્રણીઓ, મહિલા સંગઠનો અને અનેક યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ હાથ પર કાળી પટ્ટી બાંધી અને હાથમાં દેશભક્તિથી પ્રેરિત બેનરો લઈને આતંકવાદ સામે મૌન પ્રદર્શન કર્યું હતું.
નારા લખેલા બેનર દર્શાવાયા
મૌન રેલી પુરતી થઈ ત્યાર બાદ, સમગ્ર સમૂહે સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રમાં ભારપૂર્વક માંગ કરવામાં આવી કે આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવામાં આવે અને જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. રેલી દરમિયાન લોકો 'હમ ડરને વાલે નહિ, લડને વાલે હૈ', 'અબ બહોત હુઆ, આતંકવાદ ખતમ કરો', 'પાકિસ્તાન તુમ શર્મ કરો' જેવા નારા લખેલા બેનર સાથે દેખાવ કરતા જોવા મળ્યા હતા.
જાગૃત થવા કરાઈ અપીલ
અનંત શ્રી સુખરામજી ટ્રસ્ટના આગેવાનો અને ઉપસ્થિત સમાજજનોની ભાવના મુજબ, આજે દેશની એકતા અને અખંડિતતાની રક્ષા માટે દરેક નાગરિકને જાગૃત થવાની જરૂર છે. ભારત સરકારે આકરી કાર્યવાહી કરીને આતંકવાદનો ખતમ કરવો જોઈએ એવી માંગ ઉઠી છે. અંતે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, 'આ એક શાંતિપૂર્ણ, પણ મજબૂત સંદેશ છે કે ભારતીય જનતા આતંકવાદ સામે એકતાપૂર્વક ઊભી છે અને દેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે સક્રિય પગલાંની અપેક્ષા રાખે છે.'