
સુરતના ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરત કરવામાં આવી હતી. આ મીટિંગના 74 દિવસ બાદ આખરે શનિવારે રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરશે.
મંદી વ્યાપી ગઈ
અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતનાં કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે, જેને લઈને રત્નકલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા. આખરે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા વિવિધ સહાય યોજના જાહેર કરાશે, જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓ સંભવિત જાહેર કરવામાં આવશે.
હીરા ઉદ્યોગ માટે રાહત પેકેજ
રત્નકલાકારો માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે. જેની જાહેરાત શનિવારે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા જાહેર કરશે. જેમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોને રાહતના પેકેજ જાહેર કરવામાં આવશે.
રત્નકલાકારોએ રાજ્ય સરકાર સમક્ષ આ માગણી કરી હતી
રાજ્યભરનાં ડાયમંડ એસોસિએશનની ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ રત્નકલાકારોના હિતમાં યોજના જાહેર કરવાનું કહ્યું હતું. તેમ છતાં સરકારે કોઈ જાહેરાત ન કરતાં યુનિયને 30 માર્ચે હડતાળ પાડી હતી, જેમાં મોટા ભાગનાં હીરાનાં કારખાનાંઓ બંધ રહ્યાં હતાં.