
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના નામે સરકારે જો શૈક્ષણિક સફળતા ઉજવી છે. તો આમ આદમી પાર્ટીએ આજે તેની સામે આંકડા આધારીત ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન રાકેશ હિરપરાએ આજે સુરતમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે મૂકી અને પ્રવેશોત્સવને “દંભ” ગણાવ્યો.
આંકડાકીય આક્ષેપો
ગુજરાતમાં 6-7 વર્ષની વયના 1 કરોડ 39 લાખ બાળકો પૈકી આશરે 33 લાખ (24%) બાળકો હજુ શાળામાં દાખલ નથી. 2022-23ની સરખામણીએ 2023-24માં સરકારી શાળાઓમાં 1.3 લાખ બાળકો ઓછા થયા, જયારે ખાનગી શાળાઓમાં 1.27 લાખથી વધુનો વધારો થયો. 2015-16 બાદથી રાજ્યમાં 542 સરકારી શાળાઓ બંધ થઇ, જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા 1,745થી વધી.
શાળાઓમાં પાયાની સુવિધાનો અભાવ
સુરત શહેરમાં 400 સરકારી શાળાઓ સામે માત્ર 1500 શિક્ષકો છે, જે સ્પષ્ટ કરે છે કે શિક્ષક-વિદ્યાર્થીનો પ્રમાણ ગંભીર રીતે અસંતુલિત છે.6,332 શાળાઓમાં રમતગમતના મેદાન નથી. 2,462 શાળાઓ એકમાત્ર શિક્ષકના ભરોસે ચાલી રહી છે. છેલ્લા 15 વર્ષથી શારીરિક શિક્ષણ, સંગીત, ચિત્રકલા જેવા વિષયોના શિક્ષકોની ભરતી થઈ નથી – AAPના આક્ષેપ મુજબ આ શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર કરે છે.
શિક્ષણની સ્થિતિ જુદી
આપના રામભાઈ ધડૂક, પાયલ સાકરિયા અને રાકેશ હિરપરાએ કહ્યું કે, રાજ્ય સરકાર પ્રવેશોત્સવની ઉજવણી કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે બાળકો શાળાએ જતાં નથી, શિક્ષકોનો અભાવ છે અને ધોરણબદ્ધ માળખાગત સુવિધાઓ પણ નથી. આ પ્રવેશોત્સવ જ લાગે છે જ્યારે ધરા પર શિક્ષણનો ધબકતો પ્રશ્ન છે."