સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ વર્ષો જૂના મકાનનો સ્લેબ તૂટી પડતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જરીવાલા પરિવાર મકાનના બીજા માળે રહેતો હતો જ્યાં આ દુર્ઘટના સર્જાઈ છે. અચાનક બીજા માળનો સ્લેબ તૂટીને સીધો પહેલા માળ પર પડતા નીચે રહેલા લોકોને ઈજાઓ પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ ગંભીર ઈજા અથવા જાનહાની થઈ નથી. પ્રાથમિક ઇજાઓ માટે તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાથી ફરી એકવાર શહેરના જૂના અને જર્જરિત મકાનોના જાળવણીની સ્થિતિ સામે પ્રશ્ન ઉભા થયા છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મકાનની સારવણી અને ઓડિટ જરૂરી છે.